મુંબઈ : ભારતીય શેર બજારો અપેક્ષિત રીતે ઓછી વૃદ્વિ ધરાવતા વિશ્વમાં સ્પષ્ટ ઓવરવેલ્યુએશન જોખમોનો સામનો કરી રહ્યા છે, એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ તેના તાજેતરના ફાઈનાન્શિયલ સેક્ટરના મૂલ્યાંકનમાં જણાવી ચેતવણી ઉચ્ચારી છે.
આ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં આ ચેતવણી આપ્યા સાથે ઘણા બજાર નિષ્ણાતો એ વાતે સહમત છે કે, ચોક્કસ સંવેદનશીલ કિસ્સામાં ખાસ કરીને સ્મોલ અને મિડ કેપ શેરોમાં એસેટ્સના ભાવ કંપનીની કમાણી કરતાં ઘણા આગળ નીકળી ગયા હશે. સ્મોલ અને મિડ કેપ સેરોમાં ચોક્કસપણે તેજી જોવા મળી રહી છે.
ટેરિફ અનિશ્ચિતતા પહેલા ભારતીય બજારોમાં ઘણો સુધારો થયો હતો અને સ્મોલ તથા મિડ કેપ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો થયો હતો, જેનું મુખ્ય કારણ ઊંચું વેલ્યુએશન રહ્યું છે. અલબત ત્યાર બાદ વૈશ્વિક અનિશ્ચિતતા છતાં બજારમાં નોંધનીય રિકવરી જોવાઈ છે અને બજાર સર્વોચ્ચ ઊંચાઈની નજીક છે.
પ્રથમ ત્રિમાસિકમાં કમાણી પણ અપેક્ષા કરતાં ઓછી નોંધાઈ છે. વ્યાપક ધોરણે આરબીઆઈનો ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ (એફએસઆર) જીઓપોલિટીકલ અને ટેરિફ સંબંધિત વેપાર વિસ્થાપનથી ઉદ્દભવતા સંભવિત મૂલ્યાંકન-વેલ્યુએશન જોખમોને હાઈલાઈટ કર્યા છે અને શેરોના વર્તમાન ભાવો આ જોખમોને પર્યાપ્ત રીતે પ્રતિબિંબિત કરતા નથી.
એફએસઆરનું કહેવું છે કે, વૈશ્વિક મોરચે પણ ઘમા બજારોમાં એસેટ મૂલ્ય-વેલ્યુએશન ફંડામેન્ટલ કરતાં વધુ પડતું ઊંચું છે. જે તાજેતરની ડામાડોળ બજાર સ્થિતિ છતાં જોવાયું છે. વર્તમાન વેલ્યુએશનને યોગ્ય ઠેરવવા માટે કંપનીઓની કમાણીમાં ઝડપી ગતિએ વૃદ્વિ થવી જોઈએ, જે અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં મુશ્કેલ હોવાનું એફએસઆરનું કહેવું છે.
એફએસઆર મુજબ નિફટી મિડકેપ ૧૦૦માં ૧૭.૪ ટકાની વૃદ્વિ અપેક્ષિત છે, પરંતુ એ માટેવર્તમાન વેલ્યુએશનને યોગ્ય ઠેરવવા ૨૮ ટકાની વૃદ્વિ થવી જોઈએ. આ જ પ્રમાણે નિફટી સ્મોલ કેપ ૧૦૦માં વૃદ્વિ ૧૬.૯ ટકા અપેક્ષિત છે, પરંતુ વર્તમાન વેલ્યુએશને યોગ્ય ઠેરવવા ૩૦.૬ ટકાની વૃદ્વિ હાંસલ થવી જરૂરી છે.
બજારમાં ભાવો કરતા અત્યારે કંપનીઓના કમાણીની આગાહીઓ ધીમી ગતિએ થઈ રહી છે. શેરોના ભાવોમાં પ્રવર્તમાન જીઓપોલિટીકલ ટેન્શન અને ટેરિફ મામલે વધતી અનિશ્ચિતતાના પરિબળો હજુ નજરઅંદાજ થયા છે.