Image: Instagram @amitchavdainc |
Amit Chavda: મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પૂરવા હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે, ત્યારે શક્તિસિંહ ગોહિલની વિદાય બાદ ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાએ સંભાળી લીધી છે. પદગ્રહણ સમારોહમાં પદભાર સંભાળતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જેને સરકાર સામે લડત લડવામાં ડર લાગતો હોય તે ખુશીથી રજા લઇ લે તો વધુ ગમશે. ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળ્યા પછી હવે મહા નગર પાલિકા સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જીતવી એ કોંગ્રેસ માટે પડકારરૂપ છે. જોકે, અમિત ચાવડાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જો વિપક્ષ તરીકે અસરકારક ભૂમિકા ભજવવામાં કોઈ કચાશ નહીં રાખીએ અને લોકોના પ્રશ્નો માટે છેક સુધી લડીશું તો વર્ષ 2028માં ગુજરાતની જનતા ગાંધીનગરના સિંહાસને જરૂર બેસાડશે.
ભૂતકાળની ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરીશું
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પાસે આયોજીત પદગ્રહણ સમારોહમાં અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, ગુજરાતમાં ખોટી રીતે જમીન માપણીનો પ્રશ્ન હોય, મનરેગામાં ભાજપના મંત્રીપુત્રોનું કરોડોનું કૌભાંડ હોય, પશુપાલકોનો પ્રશ્ન હોય આ તમામ માટે કોંગ્રેસ આક્રમકતા સાથે લોકોના પ્રશ્નોને લઈને લડત લડશે. બેરોજગારી ઉપરાંત આદિવાસીઓની જમીનના હક માટે લડીશું, વસ્તીના પ્રમાણમાં બજેટની ફાળવણી થવી જોઈએ. આજે માત્ર વાતો કરીને છૂટા પડવાનું નથી પરંતુ, કોંગ્રેસના ઇરાદાઓને ઘર ઘર સુધી પહોંચાડવા સંકલ્પ લેવો પડશે. ભૂતકાળમાં જે ભૂલો થઈ છે તે સુધારવાનો પ્રયત્ન કરીશું.
આ પણ વાંચોઃ કટુડા ગામના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવ્યા, વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ
ગેનીબેને કાર્યકરોને કરી અપીલ
સાંસદ ગેનીબેન ઠાકોરે એવી કડવી ટકોર કરી કે, હવે સંગઠનમાં વધુ કડકાઈ દાખવી કામ કરવાની જરૂર છે. બીમાર હોય તો કડવી દવા જ અસરકારક હોય છે. કોંગ્રેસના દરેક કાર્યકર નક્કી કરે કે, આપણે 12 બેઠકોમાંથી 121 બેઠકો સુધી પહોંચવા પ્રયાસ કરીશું. આ એ જ કોંગ્રેસ છે જેણે મને પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચાડી છે. પદગ્રહણ સમારોહમાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ કાર્યકરોને ટોણો માર્યો કે, સલાહ નહીં, હવે સહકાર આપો. અમે તો હારની જવાબદારી સ્વીકારી રાજીનામા ધરી દીધાં પણ કાર્યકરો તમે તો જવાબદારી સ્વીકારો. વિધાનસભાની ચૂંટણીને આડે 100 અઠવાડિયા બાકી છે ત્યારે સંગઠનને મજબૂત કરી ચૂંટણી જીતવાના કામે લાગી જાઓ.
વિપક્ષ નેતાએ શું કહ્યું?
વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે, 12 કોંગ્રેસી સભ્યોએ વિધાનસભામાં 170 ભાજપી ધારાસભ્યો સામે લડત લડવાની છે ત્યારે પ્રત્યેક ધારાસભ્ય લોકહિતના પ્રશ્નો સામે અવાજ ઉઠાવવા સજ્જ છે. પ્રભારી મુકલ વાસનિકે પ્રમુખનો બચાવ કરતાં કહ્યું કે, ચૂંટણીમાં હારજીત માટે માત્ર પ્રમુખ જ જવાબદાર હોય એવુ ન હોય પ્રદેશ પ્રમુખનો તાજ તો કાંટાળો અને જવાબદારીથી ભરેલો હોય છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ. ઉપનેતા શેલેષ પરમારે તો અદના કાર્યકર તરીકે કામ કરવા તૈયારી દર્શાવી હતી.
આ પણ વાંચોઃ ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૂની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં.
આમ, નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પદભાર તો સંભાળી લીધો છે પણ હવે મિની વિધાનસભા સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સેમી ફાઇનલ જીતવી એક મોટો પડકાર છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની સૂચક ગેરહાજરી રહી હતી.