Admission in Medical Registration : ગુજરાત સરકારના અણઘડ આયોજનનો વધુ એક ઉામ નમૂનો સામે આવ્યો છે.ધો.12 સાયન્સ પછીના મેડિકલ અને પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ અને નર્સિંગ-પેરામેડિકલ કોર્સીસ માટે તો બે વાર રજિસ્ટ્રેશન પુરુ થઈ ગયા બાદ હવે પૂરક પાસને પ્રવેશની તક આપવા ઠરાવ કરાયો છે. સરકાર દ્વારા મેડિકલ એજ્યુકેશન કોર્સીસ અને નર્સિંગ-અલાઈડ(પેરામેડિકલ)કોર્સીસ માટે અલગ અલગ ઠરાવ આજે કરવામા આવ્યા છે.જે મુજબ હવે આ વર્ષે પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી પણ મેડિકલ,ડેન્ટલમાં પ્રવેશ લઈ શકશે.
મેડિકલ-પેરામેડિકલમાં હજારો વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન પ્રવેશ સમિતિએ કરાવી દીધુ અને પ્રવેશ ટાણે નવા નિયમો
રાજ્ય સરકારના અત્યાર સુધીના નિયમો મુજબ ધો.12 સાયન્સમાં બોર્ડની મુખ્ય પરીક્ષામા પાસ વિદ્યાર્થીને જ મેડિકલ,ડેન્ટલ, આયુર્વેદ,હોમિયોપેથી અને નર્સિંગ-ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ અપાતો હતો. પરંતુ જુન-જુલાઈમાં લેવાતી પૂરક પરીક્ષામાં પાસ થતા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવા દેવાતુ ન હતુ કે પ્રવેશ અપાતો ન હતો. સરકારે ગત વર્ષથી 12 સાયન્સમાં બેસ્ટ ઓફ ટુની સ્કીમ જાહેર કરી છે ત્યારે હવે 12 સાયન્સ બોર્ડની બે પરીક્ષા છે.
ત્યારે સરકારે અગાઉ આપેલી પરીક્ષા પાસ કરી હોય કે નાપાસ બાદ પૂરકમાં એક કે તેથી વધુ વિષય પાસ કર્યા હોય તો વધુ માર્કસને ઘ્યાને લઈને પ્રવેશ આપવા નિયમો બદલ્યા છે. મેડિકલ અને પેરામેડિકલના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના નિયમોમાં સુધારો કરી નવી જોગવાઈ સાથે આજે ઠરાવ આરોગ્ય વિભાગ દ્વારા કરાયો છે. સરકારના ઠરાવની નવી જોગવાઈ મુજબ 12 સાયન્સમાં વિદ્યાર્થી સપ્લીમેન્ટરી પરીક્ષા આપીને ક્વોલિફાઈંગ એક્ઝામ પાસ કરે તો મેઈન પરીક્ષા કે સપ્લીમેન્ટરી(પૂરક) પરીક્ષામાં જે વધારે માર્કસ હોય તેને મેડિકલ-પેરામેડિકલના પ્રવેશ માટે ઘ્યાને લેવાશે.
આમ આ નિયમથી ઈજનેરી-ફાર્મસીની જેમ મેડિકલ સહિતના ચાર કોર્સીસમાં અને પેરામેડિકલમાં પણ પુનઃપરીક્ષા આપનારા અને માર્કસ સુધર્યા હોય તેવા તેમજ પુરક પાસ વિદ્યાર્થીઓને પ્રવેશનો ફાયદો થશે.જો આ નિયમ કરવો જ હતો તો સરકારે બોર્ડ પરીક્ષા પહેલા કે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા કેમ ન કર્યો. મેડિકલમાં એક વાર અને પેરામેડિકલમાં બે વાર રજિસ્ટ્રેશન પુરુ થવા સાથે હજારો વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થઈ ચુક્યુ છે ત્યારે હવે સરકારને આ નિયમ ફેરફાર કરવો પડ્યો છ.જેથી મેડિકલ-પેરામેડિકલ માટે હવે ફરીવાર રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવશે.
મેડિકલમાં પ્રવેશ માટે હવે દિવ્યાંગ વિદ્યાર્થીએ એફિડેવિટ આપવી પડશે
નેશનલ મેડિકલ કમિશન દ્વારા એમબીબીએસ-ડેન્ટલ કોર્સીસમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે.જે મુજબ દિવ્યાંગ વિદ્યાર્થીએ હવેથી એફિડેવિટ આપવી પડશે. વિદ્યાર્થીએ ચોક્કસ નમૂનામાં સેલ્ફ સર્ટીફાઈડ નોટરાઈઝડ એફિડેવિટ આપવાનું રહેશે.જેમાં કયા પ્રકારની દિવ્યાંગતા છે અને કેટલા ટકા દિવ્યાંગતા છે તે સ્પષ્ટ લખવાનું રહેશે.આ ઉપરાંત દિવ્યાંગ પ્રમાણપત્ર પણ મેડિકલ બોર્ડ સમક્ષ રજૂ કરવાનું રહેશે.અગાઉ માત્ર સર્ટિફિકેટ જ રજૂ કરવાનું હતું. લોકમોટર ડિસેબિલિટી,વિઝ્યુઅલ ડિસેબિલિટી, મેન્ટલ ઈલેનસ સહિતની જુદી જદી દિવ્યાંગતા માટે અલગ એફિડિવેટ વિદ્યાર્થીએ આપવાનું રહેશે.