ફૂલમાંથી મધમાખી દ્વારા લેવાતા રસ જેટલા ટેક્સ હોવો જોઈએ- ચાણક્ય : 10 વર્ષ પહેલા ભારતમાં 2,65,772 કરોડનો ઈન્કમટેક્સ વસુલાતો તે 10,45,139 કરોડે પહોંચ્યો : નિયમિત કરદાતાને રાહતની જરૂર
રાજકોટ, : આવતીકાલે ભારતમાં તા. 24 જૂલાઈના આયકર દિવસ અર્થાત્ ઈન્કમટેક્સ લેવાની શરૂઆતનો દિવસ છે.ઈ. 1857માં સ્વતંત્રતાનો પ્રથમ જંગ થયાના 3 વર્ષ બાદ વિદેશી શાસનકર્તાઓની આર્થિક તંગી દૂર કરવા અને તિજોરી ભરવા બ્રિટીશ નાણામંત્રી જેમ્સ વિલ્સને ફેબુ્રઆરી- 1860માં ઈન્કમટેક્સ એક્ટ ઘડયો અને પાંચ મહિનામાં તા. 24-7-1860 ના વાઈસરોયે તેને મંજુરી આપવા સાથે જ તાત્કાલિક અમલી બન્યો અને ત્યારથી ભારતના લોકો અસંખ્ય સુધારા-વધારા સાથે પોતાની આવક ઉપર આજ સુધી ટેક્સ ભરી રહ્યા છે.
એ વખતે અંગ્રેજોએ આવકના મુખ્ય ચાર ભાગ પાડયા હતા જેમાં (1) જમીન-સંપત્તિ પરની આવક (2) વ્યવસાય અને વેપાર (3) સિક્યુરિટીઝ,ડિવિડન્ડ વગેરે પર અને (4) પગાર,પેન્શન,ખેતીવાડીની આવક પર. ત્યારબાદ 1918માં નવો સુપરરિચ ટેક્સ સાથે કાયદો ઘટડયો અને ઈ.સ. 1922માં તેમાં મોટા ફેરફારો કરીને નવો સુધારો અને 1922ના કાયદામાં ત્યારબાદ ઈ.સ. 1939થી 1956 વચ્ચે 29 સુધારા કરાયા. 1957માં વેલ્થ ટેક્સ અને એક્પેન્ડીચર ટેક્સ, 1958માં ગીફ્ટ ટેક્સ આવ્યા અને હાલ સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ કાયદાના 100 વર્ષ પછીના ઈન્કમટેક્સ એક્ટ-1961 અમલી છે.
ભારતમાં 20 વર્ષ પહેલા વ્યક્તિગત આવકવેરાની વસુલાત માત્ર રૂ।. 15,592 કરોડ હતી, ઈ.સ. 2014-15માં વધીને 2,65,772 કરોડ અને ઈ.સ. 2023-24માં 10,45,139 કરોડ અને ઈ.સ. 2024-25માં માત્ર નોન કોર્પોરેટ ડાયરેક્ટ ટેક્ષ રૂ।.11,82,875 કરોડે પહોંચ્યો છે. ઈન્કમટેક્સ વધવાની સાથે જીએસટી અને ટોલટેક્સ સહિત અનેકવિધ વેરાઓની જાળ પથરાયેલી છે. વર્ષો સુધી નિયમિત ટેક્સ ભરનારા લોકોમાં એવી લાગણી છે કે સરકારે આ ભાર વહન કરવા માટે રાહત આપવી જોઈએ. ભારતના પ્રાચીન સમયના મહાન અર્થશાસ્ત્રી ચાણક્ય (કૌટિલ્ય)એ કહ્યું હતું કે જેમ મધમાખી ફૂલ-વનસ્પતિનો રસ ચૂંસે જેનાથી પૂષ્પોને કોઈ ફરક ન પડે કે ખબર પણ ન પડે એટલો જ ટેક્સ લોકો પાસેથી વસુલવો જોઈએ.