HIV test mandatory before marriage in Meghalaya: મેઘાલય સરકાર ટૂંક સમયમાં એક નવો કાયદો લાવવાનું વિચારી રહી છે, જેના હેઠળ લગ્ન પહેલાં HIV/AIDS ટેસ્ટ કરાવવો ફરજિયાત બનશે. આ અંગે શુક્રવારે આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં HIV/AIDS ના કેસ વધી રહ્યા હોવાથી આ પગલું ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.’ ઉલ્લેખનીય છે કે HIV/AIDS ના કેસમાં મેઘાલય દેશમાં છઠ્ઠા નંબર પર છે. પૂર્વોત્તર રાજ્યોમાં આ બીમારીનો ખતરો સૌથી વધુ છે.
HIV/AIDS અંગેની નીતિ પર ચર્ચા કરવા માટે બેઠક કરવામાં આવશે
મેઘાલયમાં HIV/AIDS ટેસ્ટ ફરજિયાત કરવા બાબતે આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે કહ્યું કે, ‘જો ગોવામાં ટેસ્ટ ફરજિયાત થઈ શકે છે, તો મેઘાલયમાં પણ આવો કાયદો કેમ નહીં! તેનાથી સમગ્ર સમાજને ફાયદો થશે.’
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ‘મેં નાયબ મુખ્યમંત્રી પ્રેસ્ટોન ટાઇનસોંગની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી, જેમાં સમાજ કલ્યાણ મંત્રી પોલ લિંગડોહ અને પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના આઠ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં HIV/AIDS અંગેની નીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય વિભાગને આ સંદર્ભમાં કેબિનેટ નોંધ તૈયાર કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત, ગારો હિલ્સ અને જૈંતિયા હિલ્સ વિસ્તારોમાં પણ વિસ્તારવાર રણનીતિ તૈયાર કરવા માટે આવી જ બેઠકો યોજાશે.
આ પણ વાંચો: ‘જો વધુ 30 બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસની સરકાર હોત…’, OBC સંમેલનમાં ખડગેના PM મોદી પર આકરા પ્રહાર
જૈંતિયા હિલ્સમાં HIV/AIDSના સૌથી વધુ કેસ
HIV/AIDSના કેસ બાબતે ચિંતા વ્યક્ત કરતા આરોગ્ય મંત્રી અમ્પારીન લિંગદોહે કહ્યું કે, ‘માત્ર ઇસ્ટ ખાસી હિલ્સમાં જ HIV/AIDSના 3432 કેસ સામે આવ્યા છે. જેમાંથી માત્ર 1581 દર્દી જ સારવાર કરાવી રહ્યા છે. તેમજ જૈંતિયા હિલ્સમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે વધુ ચિંતાજનક છે. વર્તમાન સમયમાં જાગૃતિનો અભાવ નથી, પરંતુ પરીક્ષણ અને સ્ક્રીનીંગમાં સુધારો કરવો એ એક મોટો પડકાર છે.’
લોકો એન્ટિરેટ્રોવાયરલ થેરાપીથી વંચિત
આ રોગનું મુખ્ય કારણ અને સારવાર વિષે વાત કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ‘ઇસ્ટ ખાસી હિલ્સમાં 159 લોકો મૃત્યુ પામ્યા કારણ કે તેઓ એન્ટિરેટ્રોવાયરલ થેરાપી (ART) સારવારથી વંચિત હતા. યોગ્ય સમયે સારવાર કરવામાં આવે તો HIV/AIDS જીવલેણ નથી. તે કેન્સર અથવા TB જેવો જ સાધ્ય રોગ છે. મેઘાલયમાં આ રોગનું મુખ્ય કારણ જાતીય સંબંધો છે. જોકે હવે ઇન્જેક્શન ડ્રગના ઉપયોગના કેસ પ્રમાણમાં ઓછા છે.’
જણાવી દઈએ કે ગોવામાં પણ HIV/AIDSના વધુ કેસ સામે આવતા ટેસ્ટને લઈને નિયમ બનાવવામાં આવ્યો છે.