ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન છેતરપિંડી
સસ્તામાં સોનુ લઈને ઊંચા ભાવે વેચવાની લાલચમાં બેંક ખાતામાં રૃપિયા ભરાવડાવ્યા ઃ સાયબર ક્રાઇમની તપાસ
ગાંધીનગર : હાલમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના
સેક્ટર ૨૬માં રહેતા વૃદ્ધ વેપારી સાથે સોનામાં રોકાણ કરીને કમાવાની લાલચમાં ૪૬.૩૮
લાખ રૃપિયાની છેતરપિંડીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર
ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે આંતરરાષ્ટ્રીય
ટોળકી પણ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે. આ વખતે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૬માં આવેલી
ગ્રીન સીટી વસાહતમાં રહેતા અને ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વેપાર કરતા મહેશભાઈ રામજીભાઈ
રાઠોડ નામના વૃદ્ધ સાથે સાયબર ક્રાઇમ થયો હોવાની ઘટના બહાર આવી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી
મળતી વિગતો પ્રમાણે ઇન્સ્ટાગ્રામ ઉપર એક મહિલાએ મહેશભાઈનો સંપર્ક કર્યો અને કેલીક્સ
સિરામિક કંપની લી, યુ.કે.ની
પરચેઝ મેનેજર તરીકે ઓળખ આપી હતી. તેણે જણાવ્યું કે રશિયા-યુ.કે. યુદ્ધને કારણે તેમની
કંપનીમાં ગોલ્ડ ડસ્ટની અછત છે અને તેઓ મોરક્કોથી ૨૫,૦૦૦ ડોલર પ્રતિ કિલોના ભાવે ગોલ્ડ ડસ્ટ ખરીદીને ૩૯,૦૦૦ ડોલર પ્રતિ કિલોના
ભાવે વેચીને કમિશન કમાઈ શકે છે. મહેશભાઈએ સેલિક્સ સિરામિક કંપનીના માલિક ગ્રે-પેટ્રિકને
ક્વોટેશન મોકલ્યું, જેના પગલે
ક્લારા ડોનાલ્ડએ તેમને ૨૬ લાખ ડોલરનું કમિશન મળ્યું હોવાનું જણાવ્યું અને તેમાંથી મહેશભાઈનો
૧૩ લાખ ડોલરનો હિસ્સો હોવાનું કહ્યું હતું.ત્યારબાદ, ક્લારા ડોનાલ્ડએ જણાવ્યું કે તે ૨૬ લાખ ડોલરનો ડિમાન્ડ ડ્રાફ્ટ
લઈને ભારત આવી છે. ટૂંક સમયમાં,
સોનમકુમારી નામની એક વ્યક્તિએ ભારતીય કસ્ટમ ઓફિસર તરીકે ઓળખ આપી અને મહેશભાઈને
જણાવ્યું કે ક્લારા ડોનાલ્ડને કસ્ટમ વિભાગ દ્વારા પકડી લેવામાં આવી છે. કારણ કે તેની
પાસે નિયમ વિરુદ્ધ ૨૬ લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે. સોનમકુમારીએ કસ્ટમ ક્લિયરન્સ અને ઇન્ટરનેશનલ
મોનેટરી ફંડના નામે મહેશભાઈ પાસેથી રૃપિયા ભરાવ્યા હતા. આમ તબક્કાવાર ૪૮.૩૮ લાખ રૃપિયા
જેટલી રકમ ભરાવડાવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જેથી આ અંગે હાલ ગાંધીનગર
રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.