Vice President Election: જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ દેશમાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. શુક્રવારે (25મી જુલાઈ) ચૂંટણી પંચે આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીને રિટર્નિંગ ઓફિસર તરીકે નિમણૂક કર્યા છે. ઉપરાંત રાજ્યસભા સચિવાલયમાં સંયુક્ત સચિવ તરીકે તૈનાત ગરિમા જૈન અને વિજય કુમારને સહાયક રિટર્નિંગ ઓફિસર તરીકે નિમણૂક કરાયા છે. જોકે, પી.સી. મોદીની નિમણૂક અને તેમના ભૂતકાળને લઈને ઘણાં વિવાદો પણ સામે આવ્યા છે, જેના કારણે આ નિમણૂક ચર્ચાનો વિષય બની છે.
પી.સી. મોદી કોણ છે?
પી.સી. મોદી એક અનુભવી અમલદાર છે જેમને નવેમ્બર 2021માં રાજ્યસભાના મહાસચિવ તરીકે નિમણૂક કરાયા હતા. જો કે, રાજ્યસભાના મહાસચિવ પદ પર પી.સી. મોદીની નિમણૂક પર પ્રશ્નો ઊભા થયા છે. નવેમ્બર 2021માં જ્યારે તેમને રાજ્યસભાના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા, ત્યારે વિપક્ષે આ મુદ્દો ઊઠાવ્યો હતો કે તેમના પુરોગામી પી.પી.કે. રામચાર્યુલુને માત્ર બે મહિના પછી જ કેમ દૂર કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ હતી કે પી.પી.કે. રામચાર્યુલુ આ પદ પર પહોંચનારા રાજ્યસભા સચિવાલયના પહેલા અધિકારી હતા અને તેમના અચાનક જવાથી વિપક્ષ ગુસ્સે થયું હતું.
વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા
વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પી.પી.કે. રામચાર્યુલુને કેમ હટાવવામાં આવ્યા અને પી.સી. મોદીને આ જવાબદારી કેમ સોંપવામાં આવી. આ ફેરફાર 2021ના ચોમાસુ સત્ર દરમિયાન થયો હતો. જેના કારણે આ નિમણૂક વધુ શંકાસ્પદ બની હતી. તે સમયે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ‘આ નિર્ણય આશ્ચર્યજનક અને આઘાતજનક છે. સત્ર પહેલાથી જ બોલાવવામાં આવ્યું હતું, તો પછી આ અચાનક ફેરફાર કેમ? આ પાછળનો હેતુ શું છે.’
આ પણ વાંચો: રાજસ્થાન સ્કૂલ દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ, બાળકો ચેતવતાં રહ્યા પણ શિક્ષકોએ ધમકાવીને બેસાડ્યાં!
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે જમાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે કાયદાકીય નિષ્ણાતોને રાજ્યસભાના મહાસચિવ બનાવવામાં આવે છે, જ્યારે પી. સી. મોદી 1982 બેચના ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી છે જે મે 2021માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા.’
પી.સી. મોદી પર ગંભીર આરોપો લાગ્યા હતા
ઉલ્લેખનીય છે કે, પી.સી. મોદીનું નામ અગાઉ પણ વિવાદોમાં રહ્યું છે. મુંબઈના તત્કાલીન મુખ્ય આવકવેરા કમિશનરે નાણામંત્રી નિર્મલા સીતારમણને ફરિયાદ મોકલી હતી, જેમાં પી.સી. મોદી પર સંવેદનશીલ બાબત દબાવવાનો નિર્દેશ આપવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદના સરકારે તેમને પ્રીમિયર ટેક્સ બોડીના વડા તરીકે એક વર્ષનું એક્સટેન્શન અને પછી બે વધુ કાર્યકાળ એક્સટેન્શન આપ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થાય છે?
બંધારણના અનુચ્છેદ 66(1) મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ (STV) પદ્ધતિ અને ગુપ્ત મતદાન દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી હેઠળ યોજાઈ છે. રિટર્નિંગ ઓફિસર સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરે છે, જેમાં ચૂંટણીની સૂચના જારી કરવી, નામાંકન પત્રો સ્વીકારવા, સિક્યોરિટી ડિપોઝિટ એકત્રિત કરવા, નામાંકનની ચકાસણી કરવી, ઉપાડની પ્રક્રિયા કરવી અને અંતે મત ગણતરીનું નિરીક્ષણ કરવું. હવે જ્યારે ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરી છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.