ગોમતી ઘાટના ફેરિયાઓ રજૂઆત કરવા આવ્યાં
અંદાજપત્રમાં ૨૯.૪૧ કરોડની આવક અને ૩૧.૨૭ કરોડનો ખર્ચ દર્શાવ્યો
ડાકોર: ડાકોર પાલિકાની સામાન્ય સભામાં રૂા. ૪૩ કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સભામાં ગ્રાન્ટ મુજબના કામો નક્કી કરવા સાથે ૭ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સામાન્ય સભા વખતે ગોમતીઘાટના ફેરિયાઓએ રોજિંદી આવક મેળવવા ચીફ ઓફિસરને રજૂઆત પણ કરી હતી. જ્યારે કારોબારી ચેરમેન અને સમિતિઓના ચેરમેનની વરણી કરાઈ હતી.
ડાકોર પાલિકાના સભાખંડમાં ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ દ્વારા રૂા. ૪૩ કરોડની પુરાંતવાળું બજે રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વેરા, બાંધકામ ભાડુ, પોલિસી, મહેસુલી અને યોજનાકીય ગ્રાન્ટો તેમજ ઉઘડતી સીલકની આવકો થઈને કુલ રૂા. ૨૯.૪૧ કરોડ દર્શાવાયી છે. જ્યારે વહીવટી ખર્ચ, આરોગ્ય, સામાન્ય કલ્યાણ, દિવાબત્તી, પાણી પુરવઠા, અનામતો સિક્યુરિટી અને બંધ સીલક મળીને કુલ ૩૧.૨૭ કરોડ ખર્ચ થવાનો હોવાનું જણાવ્યું છે.
સભામાં પાલિકાના અધિનિયમની કલમ-૫૩ મુજબ કારોબારી ચેરમેનની વરણી કરાઈ હતી. જ્યારે કલમ-૫૫ મુજબ વોટરવર્ક્સ, ડ્રેનેજ, આરોગ્ય, ઈલેક્ટ્રિક, શોપિંગ સેન્ટર, બાંધકામ, ટેક્સ અને અન્ય સમિતિઓની રચના કરી ચેરમેનોની નિમાયા હતા. પાલિકામાં સરકારની ફાળવેલી ગ્રાન્ટ મુજબના કામો નક્કી કરવામાં આવ્યા હતા.
અજન્ડામાં પ્રમુખ તરફથી રજૂ થતા કામો બાબતે વોર્ડ નં.-૧ના સભ્યએ કામોમાં યોગ્યતા ચકાસીને નિયમો આધીન હોય તો જ સઃમતિ હોવાની લેખિત રજૂઆત ચીફ ઓફિસરને કરી હતી. વોર્ડ નં.-૪ના સભ્યએ વિસ્તારના પોતાના વિસ્તારના કામો બાબતે રજૂઆત કરી હતી. વોર્ડ નં.-૫ના સભ્યએ ફેરિયાઓની તરફેણમાં તેમને રોજી મળી રહે તે માટે ભલામણ કરી હતી. ત્યારે ડાકોર પાલિકાની સામાન્ય સભા વખતે ગોમતીઘાટ પર બેસી ધંધો કરતા મોટી સંખ્યામાં ફેરિયાઓ રજૂઆત કરવા આવ્યા હતા. તમામે ચીફ ઓફિસરને રોજિંદી આવક ચાલુ રહે તે માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.