મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારવિશ્વબજાર પાછળ સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. અમેરિકાના ફેડરલ રિઝર્વની મિટિંગ તથા બેન્ક ઓફ જાપાનની ટૂંકમાં મળનારી મિટિંગ પર નજર હતી.
અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૦૦૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૧૨૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૧૧૪૦૦૦ બોલાતા થયા હતા. મુંબઈ બજારમાં જીએસટી વગર સોનાના ભાવ ૯૯૫ના ઘટી રૂ.૯૭૮૦૦ તથા ૯૯૯ના ઘટી રૂ.૯૮૨૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૧૧૨૯૫૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ વધુ ઘટી ૩૩૩૮ ડોલર રહ્યાના સમાચાર હતા.
સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ છેલ્લે બંધ ભાવ ૩૮.૧૬ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭.૪૩ થયા પછી ઉંચામાં ૯૭.૯૧ થઈ છેલ્લે આ ઈન્ડેક્સ ૯૭.૬૭ રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા અમેરિકાના બોન્ડની યીલ્ડ ઉંચકાતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનુ ંસેલીંગ વધ્યાના નિર્દેશો હતા.
અમેરિકામાં તાજેતરમાં બેરોજગારીના દાવાઓ ઘટતા જોવા મળ્યા છે તથા ત્યાં આના પગલે જોબમાર્કેટમાં મજબુતાઈ દેખાઈ છે. ત્યાં વ્યાજ દરમાં ઘટાડો કરવા અમેરિકાના પ્રમુખ દબાણ કરી રહ્યા છે ત્યારે હવે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે છે કે નહિં તેના પર બધાની નજર રહી છે. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૩૯૧થી ૧૩૯૨ વાળા નીચામાં ૧૩૮૩ તથા ઉંચામાં ભાવ ૧૪૨૧ થઈ છેલ્લે ભાવ ૧૪૦૬થી ૧૪૦૭ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૧૨૧૯થી ૧૨૨૦ વાળા નીચામાં ૧૨૦૬ તથા ઉંચામાં ૧૨૪૩ થઈ છેલ્લે ભાવ ૧૨૨૪થી ૧૨૨૫ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૬.૫૨ વાળા રૂ.૮૬.૫૦ બોલાતા હતા. વૈશ્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે ૦.૨૮ ટકા માઈનસમાં રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં પણ પીછેહટ ચાલુ રહી હતી.
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૯.૪૭ વાળા નીચામાં ૬૮.૩૧ થઈ છેલ્લે ૬૮.૪૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૫ થઈ છેલ્લે ૬૫.૧૬ ડોલર રહ્યા હતા.