– અમેરિકા, રશિયા, ચીન સાથે સંબંધોના ‘ચકડોળ’ વચ્ચે ભારતનો નિર્ણય
– પીએમ મોદીના બદલે વિદેશ મંત્રી જયશંકર ગુરુવારે બ્રિક્સની બેઠકમાં અને મહિનાના અંતમાં યુએનમાં હાજરી આપશે
– બ્રિક્સની વર્ચ્યુઅલ બેઠકમાં ડીડોલરાઈઝેશન અને ટ્રમ્પના ટેરર વિરુદ્ધ નીતિઓ અંગે ચર્ચા થવાની શક્યતા
નવી દિલ્હી : અમેરિકાના ટેરિફ ટેરર અને બ્રિક્સ દેશોને ટ્રમ્પની ધમકી વચ્ચે બ્રાઝિલના પ્રમુખ લૂલા ડા સિલ્વાએ ગુરુવારે બ્રિક્સ નેતાઓની વર્ચ્યુઅલ બેઠક બોલાવી છે. જોકે, પીએમ નરેન્દ્ર મોદી આ બેઠકમાં ગેરહાજર રહેશે. એ જ રીતે આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક બેઠકમાં પણ પીએમ મોદી ગેરહાજર રહેવાના છે. તેમના સ્થાને આ બંને બેઠકોમાં વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર હાજર રહેશે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફ ટેરર વચ્ચે બ્રાઝિલના પ્રમુખ લુઈઝ ઈનાસિયો લૂલા ડા સિલ્વાએ ૮ સપ્ટેમ્બરને ગુરુવારે બોલાવેલી બ્રિક્સના નેતાઓની બેઠકમાં ટ્રમ્પના ટેરિફ અને દુનિયામાં બહુપક્ષવાદને પ્રોત્સાહન આપવાની રીતો અંગે ચર્ચા થવાની સંભાવના છે ત્યારે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના નથી.
બ્રિક્સની બેઠકમાં પીએમ મોદીની ગેરહાજરીને શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ની બેઠકમાં તેમની ભાગીદારીને સંતુલિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સંકટ અને ટેરિફ વિવાદ વચ્ચે પીએમ મોદીએ રણનીતિક સ્વાયતત્તા દર્શાવતા એસસીઓ બેઠકમાં હાજરી આપી હતી.
જોકે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા અને ભારત અને અમરિકાના સંબંધોને વ્યૂહાત્મક ગણાવતા વૈશ્વિક પરીપ્રેક્ષ્યમાં સ્થિતિ બદલાઈ હોવાનું મનાય છે. આવા સંજોગોમાં ભારત હવે બ્રિક્સમાં હાજરી આપીને અમેરિકાને નારાજ કરવા માગતું નથી તેમ માનવામાં આવે છે, જેને પગલે બ્રિક્સની વર્ચ્યુઅલ બેઠકમાં પીએમ મોદીના બદલે વિદેશ મંત્રી જયશંકર હાજરી આપશે.
બીજીબાજુ વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ૮૦મી વાર્ષિક બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્ક જવાના હતા, પરંતુ હવે તેમણે આ બેઠકથી પણ અંતર જાળવ્યું છે. તેમની જગ્યાએ યુએનમાં પણ વિદેશ મંત્રી જયશંકર હાજરી આપશે. ન્યૂયોર્કમાં ૨૩થી ૨૯ સપ્ટેમ્બર સુધી યુએનમાં ઉચ્ચ સ્તરીય બેઠકો જોવા મળશે.
યુએનની બેઠકની શરૂઆત બ્રાઝિલના ભાષણથી થશે, ત્યાર પછી અમેરિકા ૨૩ સપ્ટેમ્બરે યુએનને સંબોધન કરશે. વિદેશ મંત્રી જયશંકર ૨૭ સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે. અગાઉ યુએનના વક્તાઓમાં પીએમ મોદીનું નામ હતું. આ યાદી જુલાઈમાં જાહેર કરાઈ હતી. પરંતુ નવી યાદીમાં પીએમ મોદીની જગ્યાએ વિદેશમંત્રી જયશંકરનું નામ છે. જોકે, આ અંતિમ યાદી નથી. એટલે શક્ય છે કે તેમાં પણ ફેરફાર થાય.
હાલ સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભા બેઠક માટે ન્યૂયોર્ક જાય તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે તેમની દ્વિપક્ષીય બેઠકની સંભાવના વધી જાય. પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં સરકારનું માનવું છે કે ટ્રમ્પ અને મોદીના બદલે ઉચ્ચ સ્તરીય બેઠકો થાય તે વધુ સારું છે. જોકે, સૂત્રોએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર મુદ્દે વાટાઘાટો આગળ વધે અને પ્રમુખ ટ્રમ્પ સાથે બેઠકનો અમેરિકા તરફથી પ્રસ્તાવ આવે તો પીએમ મોદી અમેરિકા જાય તેવી શક્યતા છે.