– શહેરમાં પાલિકાની ટીમ વરસાદી પાણીના નિકાલ માટે કામે લાગી
– ચલોડા- ભાત- બદરખા ગામે હાઈવે પર પાણી ફરી વળતા ધોળકા- સરખેજ હાઈવે બંધ કરાયો : ગુયા તળાવ ઓવરફ્લો થઇ જતા ગામમાં પાણી ઘૂસી ગયા
બગોદરા, ધોળકા : ધોળકા તાલુકામાં તા. ૨૭મીને રવિવારે સવારના ૪ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખબકતા નીચાલવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ધોળકા-અમદાવાદ રોડ ઉપર બદરખા અને ભાત ગામ વચ્ચે રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો હતો.
ધોળકા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ધોળકા નગરમાં મોહંમદી સ્કૂલ વિસ્તાર, રાધનપુરીવાડ, લોધીના લીમડા, ક્ષત્રિય ઠાકોરવાસ રોડ, પટેલવાડી રોડ, માફલીપુર, રાણીરૂડી મંદિર નજીકનાં વિસ્તાર સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગુયા તળાવ ઓવરફ્લો થયું છે. ખાન તળાવ, મલાવ તળાવ, અટલ સરોવર, ગધેમાર તળાવ, બલાસ તળાવ, ચીકલી તળાવમાં પણ પાણીની વિપુલ આવક થઈ છે. મફલીપુર ગામમાં અને બળિયાદેવ મંદિર રોડ પર પાણી ભરાતા ધોળકા નગરપાલિકાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો. ધોળકા – સરખેજ હાઇવે ઉપર ચલોડા, બદરખા અને ભાત ગામ નજીક રોડ ઉપર મોટા પાયે વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી. ધોળકા – અમદાવાદ રૂટની વાયા ભાત બદરખા અને વાયા સરોડાની બસો હાલ બંધ કરવામાં આવી છે. પાણી ઓસરી ગયા બાદ ફરી બસો ચાલુ કરી દેવાશે. રાજપુર અને જલાલપુર વજીફા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતાં મોટા પાયે વરસાદી પાણી રાજપુર ગામના મેઈન રોડ ઉપર, પ્રાથમિક શાળા સહિત આસપાસના વિસ્તારોમાં ફરી વળતા જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે. જલાલપુર વજીફા ગામમાં પણ પાણીનો ભરાવો થયો છે.