– મચ્છરોના ઉપદ્રવના કારણે સ્થાનીક રહિશોને પડી રહી છે હાલાકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપા તંત્રની હદમાં આવેલ રતનપર ખાણ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જે મામલે અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ ગટરોના ગંદા પાણીના નિકાલના અભાવે આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે.
આ અંગે મળતી માહિતી મુજબ રતનપર ખાણ વિસ્તારમાં આવેલ ચાર થી પાંચ સોસાયટીઓમાં ગરીબ તેમજ મધ્યમવર્ગના પરિવારો વસવાટ કરે છે પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી મનપા તંત્ર દ્વારા રોડ, રસ્તા, પાણી, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતાં સ્થાનીક રહિશો સહિત મહિલાઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે અગાઉ પાલિકા તંત્રને અનેક વખત રજુઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે તાજેતરમાં આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરોના ગંદા પાણીનો નિકાલ નહિં થવાથી મહિલાઓ સહિત રહિશોને હાલાકી પડી રહી છે અને સતત ગંદા પાણી ભરાઈ રહેતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા આગામી સમયમાં આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે ત્યારે આ મામલે મનપા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ગટરોના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ અંગે શહેરના જાગૃત નાગરિક દ્વારા સોશ્યલ મીડીયામાં વિડિયો વાયરલ કરી સમસ્યાને ઉજાગર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો..