– એ મેળે મેળે મોરલડી મેળે ચડી…
ભાવનગર : ગોહિલવાડમાં પાવનકારી શ્રાવણ માસના પ્રારંભની સાથે જ ઠેર-ઠેર પરંપરાગત રીતે યોજાતા ભાતીગળ લોકમેળાએ તેનો ઉલ્લાસનો અસલ રંગ પકડી લીધો છે. આનંદ-પ્રમોદ, યાત્રા અને ખરીદી એમ વિવિધ પ્રકારે સૌથી મોટું માધ્યમ ગણાવાતા લોકમેળાનું લોકો માટે સવિશેષ મહત્વ છે.ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસ, ભાદરવી અમાસ અને ઋષિપાંચમના પર્વે સમુદ્ર તટે, નદી કિનારે અને ડુંગર તળેટીમાં યોજાતા આ ભાતીગળ લોકમેળાનું પ્રજા માટે વિશેષ મહત્વ છે. સાતમ આઠમની રજાઓને લઈને શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ-ધંધાઓ અને કારખાનાઓમાં રજા હોવાના કારણે ચોતરફથી લોકમેળામાં લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડશે. શ્રાવણ માસના ચાર સોમવાર, સાતમ-આઠમના આ લોકમેળામાં કુલ મળીને બે અઢી લાખ લોકો લોકમેળામાં ઉત્સાહભેર મહાલશે.
તખ્તેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણીયા સોમવારે મેળાનો અનેરો માહોલ
ભાવનગર શહેરની મધ્યમાં ટેકરી ઉપર આવેલ અને ૧૨૦ થી અધિક વર્ષનો ભવ્ય ઈતિહાસ ધરાવતા તખ્તેશ્વર મહાદેવના મંદિરેથી ભાવનગર શહેરનો નજારો નીહાળવા મળે છે. સવંત ૧૯૪૯ ઈ.સ.૧૮૯૩ ના જાન્યુઆરીમાં સર તખ્તસિંહજીએ દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી મંદિરનું લોકાર્પણ કર્યુ હતુ. શાંત,રમણીય અને સુંદર પહાડી ટેકરી પર આવેલા આ મંદિર ખાતે પ્રકૃતિ સાથે ભકિતનો અનોખો સંગમ થાય છે. અત્રે દર શ્રાવણીયા સોમવારે મેળાનો અનેરો માહોલ માણવાલાયક હોય છે.
સાતમના પર્વે શીતળા માતાજીના સાનિધ્યમાં લોકમેળો યોજાશે
ભાવનગર શહેરથી પાંચેક કિ.મી.દૂર ઘોઘા રોડ પર આવેલા પૌરાણિક મોટા શીતળા માતાજીના મંદિરે દર સાતમે પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો યોજાય છે. ૧૫૦ વર્ષ જુના આ માતાજીના મંદિરે શ્રાવણ માસમાં જ નહિ બલકે નવરાત્રિ દરમિયાન ભાવિકોની ભારે ભીડ રહે છે. આજથી પાંચેક વર્ષ પુર્વે શહેરના વિકાસ માટે તંત્ર દ્વારા રોડ પહોળા કરાવાતા માતાજીની મંજુરીથી અંદરની જગ્યામાં નવુ મંદિર બનાવાયુ છે.
છોટે કાશી સિહોરમાં નવનાથ અને ગૌતમેશ્વરના મંદિરે માનવ મહેરામણ ઉમટશે
મંદિરોની નગરી તરીકે વિખ્યાત સિહોરમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન આશ્રય લીધો હતો. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ પણ પાંડવોને મળવા આવી સિહોરમાં રાતવાસો ગુજાર્યો હતો તેવુ ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયુ છે. આ ઉપરાંત મહાન ગૌતમ ઋુષિ સિહોરમાં વર્ષો સુધી રહ્યા હતા. તેથી જ તેમની તપોભૂમિ ગૌતમેશ્વર મહાદેવ તરીકે અને ગૌતમી નદી, ગૌતમેશ્વર તળાવ તરીકે વિખ્યાત છે. પુરાણપ્રસિધ્ધ સિહોરમાં રામનાથ, ભાવનાથ, જોડનાથ, સુખનાથ, રાજનાથ, ભૂતનાથ, ધારનાથ, ભીમનાથ અને કામનાથ મળી નવનાથના દર્શનનો અનેરો મહિમા છે. અત્રે શ્રાવણીયા સોમવારે પ્રગટેશ્વર મહાદેવના મંદિરમાં, સાતમ-આઠમના પર્વે ગૌતમેશ્વર, નદી કાંઠે આવેલા શીતળા માતાજી ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન નવનાથ મહાદેવના દર્શનાર્થે સૌરાષ્ટ્રભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. આ ઉપરાંત ભાદરવી અમાસ અને ઋષિપાંચમે બ્રહ્મકુંડ, ગૌતમેશ્વર મહાદેવના મંદિરે ભારે ભીડ રહે છે.
તળાજાના દરિયા કિનારાના શિવતીર્થોનું વિશેષ મહાત્મ્ય
તળાજા તાલુકામાં આવેલ પાંડવકાલીન મોટા ગોપનાથ ખાતે ભકત કવિ નરસિંહ મહેતાએ કઠિન તપશ્ચર્યા કરતા ગોપનાથ મહાદેવએ પ્રસન્ન થઈને તેમને રાસલીલાના દર્શન કરાવ્યા હતા. મહાભારતકાળ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવોની સ્મૃતિ સાથે સંકળાયેલા આ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ બ્રહ્મચૌર્યાશી થાય છે. આ તળાજા શહેરમાં તળાજી નદીના કિનારે ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં દર શ્રાવણીયા સોમવાર અને સાતમ આઠમના પર્વે ઉપરાંત શોભાવડ રોડ પરના શીતળા માતાજીના મંદિરે, આઠમના પર્વે શોભાવડ રોડ પર, ટીમાણા પાસે, પાદરી ગો ખાતે સિધ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં અને ઝાંઝમેર, ઉંચા કોટડા, સિધ્ધનાથ મહાદેવ, ભદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના સોમવારે અને સાતમ આઠમના પર્વે ભાતીગળ લોકમેળા યોજાય છે.
પાલિતાણામાં હસ્તગિરિ રોડ પર ભૂતેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉપરાંત તળાજા રોડ પરના હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત રીતે સાતમ આઠમે લોકમેળા યોજાય છે. જયારે ગઢડા(સ્વા.)માં નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં લોકમેળો યોજાય છે.
પાંડવ કાળની સ્મૃતિ આપતો નિષ્કલંક મહાદેવનો લોકમેળો
ભાવનગરથી ૩૦ કિ.મી. દૂર કોળીયાક ગામ પાસેના સમુદ્ર સ્થિત પુરાણ પ્રસિધ્ધ નિષ્કલંક મહાદેવના મંદિરે શ્રાવણ માસ, ભાદરવી અમાસ અને ઋષિપાંચમનો પરંપરાગત ભાતીગળ લોકમેળો યોજાય છે. લોકવાયકા અનુસાર મહાભારતના યુધ્ધ બાદ પાપનું પ્રાયશ્ચિત કરવા પાંડવોએ કોળીયાક પાસેના સમુદ્ર કિનારે મહાદેવજીની સ્થાપના કરી વેદોકત વિધિથી પૂજન અર્ચન કરી પાપમાંથી મુકત થઈ નિષ્કલંક બન્યા હતા. અહિના દરિયામાં મંદિરની ઈમારત નથી, પણ ખડક ઉપર ચાર ફૂટની બેઠક પર કિનારેથી દરિયામાં એકાદ કિલોમીટરે શિવલીંગનું સ્થાપન પાંડવો દ્વારા થયુ હોવાની માન્યતા છે. દરિયામાં આવેલ આ શિવલીંગના ર્ંર્ર્દરરોજ ઓટના સમયમાં જ દર્શન કરી શકાય છે. શ્રાવણીયા સોમવાર, શ્રાવણ વદ ચૌદશ અને અમાસ (ભાદરવી અમાસ)માં સમુદ્ર કિનારે વિશાળ લોકમેળો ભરાય છે. ભાદરવી અમાસની વહેલી સવારે સમુદ્રમાં ઓટ આવતા જ નિષ્કલંક મહાદેવના દર્શન કરવાનો મહિમા હોવાથી ભાવિકો આગલી સાંજથી જ આવીને આખી રાત ભજન અને ભોજન સાથે લોકમેળાની મોજ માણે છે.
અનેકવિધ વિશિષ્ટતાઓ ધરાવતું મહુવાનુ ભુતનાથ મહાદેવનું મંદિર
મહુવાથી ત્રણેક કિ.મી. દૂર આવેલ આવેલ ભૂતનાથ મહાદેવનું મંદિર અનેકવિધ વિશિષ્ટતાઓ ધરાવે છે. અત્રે શ્રાવણીયા સોમવારે તેમજ સાતમ આઠમના પર્વમાં ભૂતનાથ મહાદેવના મંદિરથી માલણ નદીના પટ્ટ સુધીના વિશાળ પટાંગણમાં ભાતીગળ લોકમેળો યોજાય છે જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. શ્રાવણી અમાસના પર્વે ૧૮ કિ.ગ્રા.શુધ્ધ ઘીના મહોરાના દિવ્ય સ્વરૂપના ભાવિકોને દર્શન કરાવાય છે. મહોરા પર ચડાવાયેલુ ઘી ભુતનાથદાદાના પુજારી સમુદ્રમાં વિસર્જીત કરે છે તેવુ પણ ભાવિકોએ જણાવ્યુ હતુ. સૌરાષ્ટ્રમાં કોઈપણ જગ્યાએ મહાદેવના થાળામાં ગુપ્તેશ્વર મહાદેવ નથી. જે આ શિવલીંગના મહાદેવના થાળામાં ભૂગર્ભમાં બે સ્ફટિકના શિવલીંગ ગુપ્તેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છેે. જેમાં જળાભિષેક કરવાથી ભૂગર્ભમાં રહેલા બે સ્ફટિકના શિવલીંગ થાળામાં ઉપરના ભાગે આવી શિવભકતોને દર્શન આપે છે.
બોકસ ભંડારીયાની ગિરિકંદરાઓમાં શોભતુ માળનાથ મહાદેવ
ભાવનગર શહેરથી ૨૬ કિ.મી.દૂર ભંડારીયાની મનમોહક ગિરિકંદરાઓમાં નૈસર્ગિક, રમણીય અને નયનરમ્ય માળનાથધામ આવેલ છે. પૂર્વ નગરશેઠ વણિક સદગૃહસ્થ દ્વારા આશરે ૬૫૦ વર્ષથી અધિક ઈ.સ.૧૩૫૪ માં માળનાથ મહાદેવની સ્થાપના કરી હતી. ત્યારબાદ કાળક્રમે મંદિર જીર્ણ થતા સવંત ૧૯૪૩ ના આસો સુદ ૧૦ વિજયાદશમી સોમવારે ભાવનગરના મહારાજા ના.તખ્તસિંહજી દ્વારા મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો હતો. બાદ નીત્યદર્શને આવતા શિવભકતોએ માળનાથ ગૃપની સ્થાપના કરી અત્રે ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે. જુજ જોવા મળતા મંદિરો પૈકીનું આ મંદિર પશ્ચિમાભિમુખ આથમણી દિશામાં આવેલ છે.
ચીજ વસ્તુઓનું ધૂમ વેચાણ થશે
હજારો લોકોને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રોજગારી પુરી પાડતા આ લોકમેળાઓમાં જુદા જુદા પ્રાંતની વખણાતી હાથ બનાવટની ચીજ વસ્તુઓ, ગૃહ સુશોભન અને શણગારની ચીજ વસ્તુઓ, આભૂષણો, એન્ટીક પીસ, ખાણી-પીણી, રમકડાઓ, વાંસની બનાવટની ચીજ વસ્તુઓના ધૂમ વેચાણના પાથરણા બજાર જોવા મળશે.