– આણંદ વિધાનસભાના કોંગ્રેસના સોશિયલ મીડિયાના પ્રમુખ અને
– મળતિયાઓને પાસ ફાળવ્યા, મને નાત- જાતના લીધે મિટિંગથી દૂર રખાયો, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે : રાજીનામામાં બળાપો
આણંદ : ગુજરાતના કોંગ્રેસી નેતાઓનું સંગઠન મજબૂત કરવા માટે આણંદના નિજાનંદ ખાતે રાહુલ ગાંધીની ત્રણ દિવસની શિબિર યોજાઈ હતી. જેમાં સંગઠન મજબૂતની વાત એક બાજુએ રહી પરંતુ, આણંદ વિધાનસભાના સોશિયલ મીડિયાના પ્રમુખ અને હાલ વિદ્યાનગરના કોંગ્રેસ ઉપપ્રમુખ વિજય જોશીને પ્રવેશ પાસ ના અપાતા તેમણે તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. ત્યારે કોંગ્રેસમાં સંગઠનની વાતોનો છેદ ઉડી જવા સાથે જૂથબંધી જોવા મળી રહી છે.
કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપનારા વિજય જોશીએ લેખિત રાજીનામામા જણાવ્યું હતું કે, તેઓ વલ્લભ વિધાનગર કોંગ્રેસ પક્ષના ૧૦ વર્ષથી સક્રિય સભ્ય તરીકે ફરજ બજાવે છે. હાલ મારી જવાબદારી આણંદ વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ તથા વિદ્યાનગર શહેર ઉપપ્રમુખ તરીકે ની છે. તારીખ ૨૬/૭/૨૦૨૫ના રોજ સુધી આણંદ જિલ્લામાં રાહુલ ગાંધી આવવાના હતા ત્યા સુધી મોડી રાત સુધી પાર્ટીના કાર્યકરો સાથે મળીને રાહુલજીના સ્વાગતની તૈયારીઓ કરેલી અને મને આણંદ જિલ્લા પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું કે, હવે કાલે રાહુલજીની મિટિંગમાં સોશિયલ મીડિયા માટે વહેલા આવી જાજો, તમારો પાસ તમને મળી જશે પરંતુ, બીજા દિવસે આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મારા નામનો પાસ બનાવવામાં જ ન આવ્યો અને મને અંધારામાં રાખ્યો અને એમના મળતિયાઓના પાસ બનાવી રાહુલજીની મિટિંગમાં આવવાના પાસ ફાળવી દેવાયા. આણંદ જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ સાથેના મળતિયાઓને પાસ ફાળવ્યા જેમાં મને એક નાત-જાતના લીધે મિટિંગથી દૂર રખાયો જેનું મને દુઃખ છે. મારા જેવા કેટલાય વફાદાર કોંગ્રેસી કાર્યકરોને મિટિંગમાં પ્રવેશ આપવામાં ના આવ્યો કે જેઓ કોંગ્રેસના વફાદાર મતદારો છે પરંતુ ક્ષત્રિય નથી. જેની આણંદ જિલ્લા કોંગ્રેસના તમામ લોકોને જાણ પણ છે. આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા માટે દરબાર (ક્ષત્રિય) હોવું જરૂરી છે. જે મારા હાથમાં નથી. એટલે હું મારા તમામ કોંગ્રેસ પક્ષના હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું.
રાજીનામું અમારો આંતરિક મામલો, સમજાવીશું, રાગે પડી જશે : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ પઢિયારે જણાવ્યું હતું કે, રાજીનામું એ અમારો આંતરિક મામલો છે અને રાજીનામું આપનારની સાથે ચર્ચા કરીને તેમને સમજાવીશું. બધુ રાગે પડી જશે.