Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમાટીબાગ નજીક બાલભવન પાસે આવેલા બ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવામાં આવશે. આ માટે 8.65 કરોડનો ખર્ચ થશે. હાલમાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી નરહરી હોસ્પિટલ તરફ જતા આવેલો આ બ્રિજ આશરે 25 વર્ષ જૂનો છે. જેના રોડની પહોળાઈ 8 મીટર છે અને બંને બાજુના ફુટપાથ ગણતા 11 મીટર પહોળાઈ આ બ્રિજ ધરાવે છે. હાલમાં ફૂટપાથ ઉપર પાણીની લાઈન જતી હોવાથી ત્યાં ફેન્સીંગ કરીને ફૂટપાથ પરથી અવરજવર બંધ કરાઈ છે. જેથી રોડ સાંકડો થઈ જાય છે.
વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના પ્રતિનિધિ દ્વારા સ્થળ પર આપેલા ડી-માર્કેશન મુજબ રોડ લાઇન જે મંજૂર થઈ છે, તેમાં નરહરી હોસ્પિટલ તરફ અને કારેલીબાગ તરફ 18 મીટર પહોળો રસ્તો છે. જ્યારે કાશીબા હોસ્પિટલ તરફના ભાગમાં આઠ મીટર ગ્રીન બેલ્ટ છે. બ્રિજ તરફ બંને બાજુ 18 મીટરની રોડ લાઇન હોવાથી આ બ્રિજ ટ્રાફિક માટે સાંકડો રહે છે, અને તેના કારણે સ્થિતિ ટ્રાફિક જામના પ્રશ્નો રહે છે. જેથી સલાહકાર દ્વારા આ બ્રિજને નવો બનાવવા સૂચવ્યું છે. નવા બ્રિજની લંબાઈ 208 મીટર રહેશે. કાશીબા હોસ્પિટલ તરફ અપ્રોચ 76 મીટરનો અને નરહરી હોસ્પિટલ તરફ 81 મીટર નો અપ્રોચ રહેશે. જ્યારે વચ્ચેના ભાગની લંબાઈ 51 મીટરની રહેશે. બ્રિજ ટુ લેન બનશે જેમાં એક બાજુની પહોળાઈ કુલ 9 મીટર રહેશે. નવા અને જૂના બ્રિજના ફાઉન્ડેશનને ખવાણ ન થાય તે માટેનું સુરક્ષા સ્ટ્રકચર પણ ઊભું કરવામાં આવશે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટે દરખાસ્ત રજૂ થઈ છે.