– ભાવનગરના મેયરે પક્ષના વોટ્સએપ ગૃપમાં આત્મવિલોપનની ચિમકી બાદ ફેરવી તોળતા કહ્યું
– સોશિયલ મીડિયા પર માત્ર પોસ્ટ નહીં પણ ભાવનગર શહેર ભાજપમાં ભભૂકતા અસંતોષના દાવાનળ અને જૂથબંધીનું પ્રતિબિંબ હોવાનું સ્પષ્ટ
ભાવનગર : ભાવનગર મહાપાલિકાના મેયર ભરત બારડે ગઈ મોડી રાત્રે પક્ષના વોટ્સએપ ગૃપમાં કોઈનો નામોલ્લેખ કર્યા વગર પોતાના પર ખોટી રીતે દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરીને આપેલી આત્મવિલોપનની ચિમકીના પગલે ખળભળાટ મચી ગયો હતો. જોકે, ગણતરીની કલાકોમાં ફેરવી તોળતા મેયરે જણાવ્યું હતું કે, ‘હું આત્મવિલોપન કરવા તૈયાર હતો પરંતુ પ્રદેશ સંગઠન મહામંત્રીએ આજે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ સાથે બેઠક યોજી સમાધાન કરાવતા ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.’
મહાપાલિકાની વર્તમાન બોડીની પાંચ વર્ષની સમયાવધિ પૂર્ણ થવાને હવે માત્ર પાંચ-છ માસનો જ સમય બાકી રહી ગયો છે ત્યારે બે વર્ષથી મહાપાલિકાના મેયર તરીકે કાર્યરત ભરત બારડે ગઈ કાલે મોડી રાત્રે પક્ષના વોટ્સએપ ગૃપમાં પોતે ભાજપના કેટલા જૂના કાર્યકર છે તેનો વિસ્તૃત ઉલ્લેખ કરી મૂકેલી પોસ્ટમાં એવો વલોપાત ઠાલવ્યો હતો કે, ‘આટલો સમય પસાર કર્યા પછી પણ અમુક લોકોના નિશાન પર મને રાખવામાં આવ્યો છે. તેથી આજે હૈયાવરાળ ઠાલવું છું. કારણ કે, આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડું અલગ પ્રકારનો વ્યવહાર થાય તો દુઃખ પહોંચે. આમ છતાં, જો મને ખોટી રીતે દબાવવાની કોશિષ કરવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે હું જાહેરમાં આત્મવિલોપન કરીશ. હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા કંઈકના રાજ ખોલતો જઈશ’
મેયરની આ પોસ્ટ જોકે, ગૃપ એડમિન દ્વારા ડિલિટ કરી દેવામાં આવી હતી. પરંતુ તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. જેના પગલે ભાજપમાં ભારે હલચલ મચી ગઈ હતી.
આજે જ્યારે મેયરને પૂછવામાં આવ્યું કે, તેમને કોણ ખોટી રીતે દબાવવાનો પ્રયાસ કરતું હતું ? તો તેમણે નામ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. પરંતુ આ સમગ્ર વિવાદે એ સ્પષ્ટ કરી દીધું છે કે, સોશિયલ મીડિયા પર આ માત્ર પોસ્ટ નહીં પણ ભાવનગર શહેર ભાજપમાં ભભૂકતા અસંતોષના દાવાનળ અને જૂથબંધીનું પ્રતિબિંબ છે.
એવા કોના અને શું રાજ છે જે ખોલવાનો મેયરે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો ?
પોસ્ટ ડિલિટ કરી દેવામાં આવી પરંતુ આ વિવાદે કેટલાક નવા પ્રશ્ન ઉત્પન્ન કર્યા છે કે, આખરે મેયરને કોણ ખોટી રીતે દબાવવાની કોશિષ કરતું હતું ? એવી તે કઈ સ્થિતિ હતી કે, તેમણે આત્મવિલોપનની ચિમકી આપવી પડી ? એવા કોના અને શું રાજ છે જે ખોલવાનો મેયરે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો ?