પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયાનું ખુલ્યું : ચંદ્રેશનગરમાં કોમન પ્લોટની અંદરથી લાશ મળી આવી
રાજકોટ, : શહેરના ચંદ્રેશનગર વિસ્તારમાં ખીજડાવાળા રોડ પર આવેલા કોમન પ્લોટમાંથી આજે સવારે મૂળ યુપીના અને હાલ મવડી ચોકડી પાસે રૂમ રાખી ફેબ્રીકેશનની મજુરી કરતાં રાજેશ ઉર્ફે રાજુ ચિંતામણી રાજભર (ઉ.વ. 25)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. માલવીયાનગર પોલીસે ગુનો નોંધી એક શકમંદની અટકાયત કરી છે. દારૂ પીતી વખતે ગાળાગાળી થતાં હત્યા થયાની માહિતી પોલીસને પ્રાથમિક તપાસમાં મળી છે.
હત્યાનો ભોગ બનનાર રાજેશ ઉર્ફે રાજુ છેલ્લા દસેક વર્ષથી રાજકોટમાં રહેતો હતો. આજે સવારે તેની લાશ મળી આવતાં માલવીયાનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઓળખ મેળવી તેના મામા અવધેશ રાજભર (ઉ.વ. 40, રહે. મેટોડા જીઆઈડીસી)ને બોલાવતા તેણે તેના ભાણેજની લાશ હોવાનું ઓળખી બતાવ્યું હતું. જેથી પોલીસે તેને ફરિયાદી બનાવી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
જે દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જયાં હત્યા થઈ તેની બાજુમાં દારૂ પીવા એકત્રિત થયા બાદ ગાળાગાળી થતાં હત્યાની આ ઘટના બની છે. પોલીસે દિલીપ નામના એક શકમંદની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે. હત્યા પથ્થરોના ઘા ઝીંકી કરાયાનું બહાર આવ્યું છે. લોહીવાળા પથ્થર પોલીસને સ્થળ પરથી પણ મળી આવ્યા હતા. મૃતક રાજેશ ઉર્ફે રાજુ અપરણીત હતો. તેનો મોટોભાઈ રાકેશ એકાદ વર્ષથી દુબઈ રહે છે. મોટી બહેન અનીતાના ઉત્તર પ્રદેશમાં જ લગ્ન થયેલા છે.