Gandhinagar News : ગાંધીનગર વિધાનસભા ગૃહમાં મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2025 બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જે બિલનું સમર્થન કોંગ્રેસે પણ કર્યું હતું. બિલનું સમર્થન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, ’30 વર્ષથી ભાજપના શાસનમાં વિકાસ ગેરકાયદેસર રીતે થાય છે અને નિયમોનો પણ ભંગ થાય છે.’ વધુમાં કાયદા અંગે ચાવડાએ કહ્યું હતું કે, ‘ફૂલપ્રુફ કાયદો બનાવો કે ભવિષ્યમાં એનો સુધારો ન લાવવો પડે.’
ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક બિલ વિધાનસભામાં રજૂ કરાયું
આ સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી રાજપૂતે જણાવ્યું કે, ‘રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાથી ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવા બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના માટે આ બિલ રજૂ કરાયું છે.’
કોંગ્રેસ પક્ષના નેતાએ શું કહ્યું?
વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક, 2025 બિલ રજૂ કરાયું. જેને લઈને કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘મહેસૂલ મંત્રી જે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક 2025 લઇને આવ્યાં છે, એમાં ગણોતનો કાયદો અને જમીન મહેસૂલનો કાયદો છે. જેમાં એક સાથે સુધારા થવા જઈ રહ્યાં છે. દેશ આઝાદ થયો, ખેડે એની જમીનનો કાયદો આવ્યો, જે ગણોતિયા બન્યાં એને ગણોત કાયદા મુજબ રક્ષણ મળે એ માટે આખો કાયદો બનાવવામાં આવ્યો.’
આ પણ વાંચો: કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત
ઓનલાઇનની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર મુદ્દે તેમણે જણાવ્યું કે, ‘જમીનો વેચાય ના જાય એ માટે 8 કિલોમીટરનો કાયદો પણ લાવ્યાં. નવી શરતની જમીન કરીને પણ આપી, પેઢીઓ સુધી એ જમીનો સચવાય અને પેઢીઓ સુધી એ કુટુંબનું નિર્વાહ પણ થયું. પરંતુ જે રીતે એમાં સુધારા લાવ્યાં અને એક આંધળું પરિવર્તન કરવાની એક દોડ શરૂ થઈ અને નવી શરતની જમીનોને જૂની શરતમાં ફેરવવામાં આવી. જેમાં 8 કિલોમીટરનો કાયદો કાઢી નાખવામાં આવ્યો. જેના કારણે શહેરીકરણ તરફની જે દોટ વધી છે. ખાસ કરીને ખેતીની જમીનને જ્યારે બિન-ખેતી ઉપયોગ માટે મંજૂરી આપીએ ત્યારે ભલે ઓનલાઇન એન.એ. પરમિશનની પ્રક્રિયા પણ ઓનલાઇન એન.એ. આવ્યાં પછી પણ એ ભ્રષ્ટાચારને નિવારી ના શક્યાં અને આજે ઓનલાઇનની પ્રક્રિયામાં એ ભાવમાં કોઇ ઘટાડો થયો નહીં. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. જેમાં ખોટી રીતે અને ગેરકાયદેસર વિકાસ થાય છે અને નિયમોનો ભંગ થાય છે. જેને રોકવા માટેની પ્રક્રિયામાં ભંગ કેમ થાય? વર્ષ 1976થી 2019 સુધી અનેક સુધાર થયા, પરંતુ હવે આપણે જે સુધારો લાવીએ છીએ એ ફરી નહીં લાવીએ એની શું ખાતરી છે? ‘
આ પણ વાંચો: વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે
મહેસૂલ મંત્રીએ કહ્યું કે, ‘આ સુધારાથી નાગરિકોને મિલકતના હક્કો પ્રાપ્ત કરાવી, તેમને વધુ આર્થિક સધ્ધરતા પ્રદાન કરી શકાય તથા રહેણાંકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક્ક પ્રાપ્ત થશે. અત્યારસુધીમાં કુલ 23000થી પણ વધુ મિલકતો આ સુધારા અધિનિયમથી નિયમિત કરી શકાય છે, તેમજ અંદાજે રૂ. 381 કરોડ જેટલી માંડવાળથી અને અન્ય સરકારી ફીની વસૂલાત થઈ શકે તેમ છે.’