હાઈકોર્ટના આદેશ છતાં
અદાલતના તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી ? સિદસર જૂથ કૃષિ સેવા સહકારી મંડળી દ્વારા સહકારી મંડળીઓના રાજ્ય રજિસ્ટ્રારને નોટિસ આપી
ભાવનગર: ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેન્કમાં ભરતી પ્રકરણે ૧૫ દિવસમાં તપાસ કરવાના હાઈકોર્ટના આદેશ છતાં બે માસ વીતવા છતાં તપાસ પૂર્ણ નહીં થતા આ બાબતે અદાલતના તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી ? એવી નોટિસ સિદસર જૂથ કૃષિ સેવા સહકારી મંડળી દ્વારા સ્ટેટ રજિસ્ટ્રાર (કો-ઓપરેટિવ સોસાયટીઝ)ને પાઠવી છે.
આ નોટિસમાં મંડળીના પ્રમુખ ભીખાભાઈ જાજડિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેન્કમાં ૮૦ ક્લાર્કની ભરતી કરવામાં આવી તે ગેરકાયદે હોવાની હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન (એસસીએ) દાખલ કરવામાં આવી હતી. જે એસસીએ અંગે હાઈકોર્ટે ૧૫ દિવસમાં સરકાર તપાસ કરે તેવો ઓરલ ઓર્ડર કરી મેટર ડિસ્પોઝ કરી હતી.
જે સમગ્ર બાબતે તા. ૧૪ મે, ૨૦૨૫ના રોજ સહકાર સચિવ, સ્ટેટ રજિસ્ટ્રાર અને જિલ્લા રજિસ્ટ્રારને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ પ્રકારની ગેરકાયદે ભરતીથી બેન્કને, જિલ્લાના ખેડૂતોને અને કોમ્પીટન્ટ તથા લાયક ઉમેદવારોને નુકસાન અને અન્યાય થઈ રહ્યો હોવાથી કોર્ટના ડાયરેક્શન પ્રમાણે નિર્ણય કરવા પણ વખતો વખત માંગ કરી હતી. ૧૨ સપ્તાહનો સમય વીતવા છતાં હાઈકોર્ટના ઓર્ડરનું પાલન કર્યું નથી. આમ કરીને ઓર્ડરનો અનાદાર કરવામાં આવી રહ્યો છે. આથી કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટની કાર્યવાહી બને છે.