Odisha 20 Year Girl Student Self Immolation: ઓડિશાના બાલાસોરમાં સ્થિત ફકીર મોહન ઓટોનોમસ કોલેજમાં સોમવારે મોડી રાત્રે આત્મદાહ કરનારી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. શારિરીક શોષણની ફરિયાદ પાછી લેવા દબાણ થતાં વિદ્યાર્થિનીએ કોલેજ કેમ્પસમાં જ કેરોસિન છાંટી આત્મદાહ કર્યો હતો. છેલ્લા 3 દિવસથી ભુવનેશ્વરના એઈમ્સમાં પોતાના જીવન માટે લડી રહી હતી. વિદ્યાર્થિની 95 ટકા દાઝી જતાં અંતે મોતને ભેટી હતી. વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી છે કે, મોદીજી, ઓડિશા હોય કે મણિપુર- દેશની દીકરીઓ બળી રહી છે, મરી રહી છે. અને તમે તમે ચૂપચાપ બેઠા છો. દેશને તમારું મૌન નથી જોઈતું, તે જવાબો માંગે છે. આ ઘટના સીધે-સીધી ભાજપ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી હત્યા છે. આ બહાદૂર વિદ્યાર્થિનીએ ન્યાય માટે અવાજ ઉઠાવ્યો, તો તેને ન્યાય આપવાના બદલે ધમકાવવામાં આવી, હેરાન કરવામાં આવી, અપમાનિત કરવામાં આવી. ભારતની દિકરીઓને સુરક્ષા ન્યાય જોઈએ.
ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધીને આપ્યો જવાબ
કેન્દ્રીય મંત્રી ધમેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધીને જવાબ આપતાં કહ્યું કે, ઓડિશાની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. પરંતુ કોંગ્રેસ તેના પર પણ પોતાના રાજકારણનો રોટલો શેકવાનું માધ્યમ બનાવી લીધુ છે. આ ગંભીર અને સંવેદનશીલ મામલે રાજકારણનું હથિયાર બનાવવું એ રાહુલ ગાંધીની સસ્તી માનસિકતા દર્શાવે છે. વડાપ્રધાન મોદી અને ભાજપ હંમેશા મહિલાઓની સુરક્ષા અને ન્યાય માટે કડક પગલાં લે છે. જ્યારે કોંગ્રેસ આ પ્રકારની દુર્ઘટનામાં તક શોધવાનું કામ કરે છે. અમે પીડિત પરિવારની સાથે છીએ અને દોષિતોને આકરી સજા આપીશું.
શું હતી ઘટના
ઓડિશામાં ફકીર મોહન કોલેજમાં ઈન્ટિગ્રેટેડ બીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની એ 12 જુલાઈના રોજ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહેલા શારીરિક શોષણથી કંટાળીને કોલેજ કેમ્પસમાં પોતાના પર કેરોસીન છાંટી આત્મદહન કર્યું હતું. આ દુર્ઘટના પહેલાં તેણે પ્રિન્સિપલની મદદ માગી હતી. પરંતુ પ્રિન્સિપલે મદદ કરવાના બદલે પોતાની ફરિયાદ પાછી લેવા દબાણ કર્યું. અંતે તેણે કંટાળીને આત્મદહન કર્યું હતું. ઓડિશા પોલીસે આ ઘટના બાદ એચઓડી સમીર કુમાર સાહૂની ધરપકડ કરી હતી. કોલેજના પ્રિન્સિપલ દિલિપ ઘોષને સસ્પેન્ડ કર્યા હતાં. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે 14 જુલાઈના રોજ પ્રિન્સિપલની પણ ધરપકડ કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ મુર્મૂએ પીડિતાની મુલાકાત લીધી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 14 જુલાઈના રોજ AIIMS ના બર્ન યુનિટમાં પીડિતાની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે ભુવનેશ્વર AIIMS પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી હતી. કોલેજના પ્રિન્સિપલે જણાવ્યું હતું કે, 30 જૂનના રોજ તે અંગ્રેજી ડિપાર્ટમેન્ટના હેડ સમીર કુમાર સાહૂ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવી હતી. અમુક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, સાહૂ માનસિક શોષણ કરી રહ્યા છે. ફરિયાદ કર્યા બાદ તેણે પોતાને આગ ચાંપી હતી.