પથ્થર અને ઈંટથી માથામાં મારી ગળું દબાવી પત્નીનું મોત નીપજાવ્યું
રિસામણે આવેલી પરિણીતાને 15 દિવસ પૂર્વે જ સમાધાન કરી સાસરે મોકલાઇ હતી, પિતાએ ફરિયાદ નોંધાવી
ભાવનગર: તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથકના તાબે આવતા શેળાવદર ગામે પતિએ પત્નિની હત્યા કરી દીધાનો બનાવ બન્યા છે. સવારે દંપતિ વચ્ચે ઝઘડો થતાં પથ્થર અને ઈંટથી માથામાં મારી ગળું દબાવીને પતિએ પત્નિની હત્યા કરી દીધી હતી. બનાવ અંગે દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
શહેરના કુંભારવાડા કૈલાસવાડી અપાનગર ખાતે રહેતા મનુભાઈ હરીભાઈ ધોળકીયાએ દાઠા પોલીસ મથકમાં તેમના જમાઈ વનરાજ બોઘાભાઈ ગોહિલ (રહે.શેળાવદર, તા.તળાજા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના દિકરી છાયાબેનને તેમના પતિ વનરાજ બોઘાભાઈ ગોહિલ વચ્ચે અવારનવાર નાના-મોટા ઝઘડા થતાં હતા. આશરે ૧૫ દિવસ પૂર્વે તેમના દિકરી છાયાબેન ઝઘડાઓના કારણે રિસામણે પિયર આવ્યા હતા. પરંતુ તેમની વચ્ચે સમાધાન થઈ જતાં તેમણે દિકરીને પિયર મોકલી દીધી હતી. જે બાદ આજરોજ વહેલી સવારે ૮.૧૫ કલાકના અરસામાં પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતાં વનરાજે તેની પત્નિ છાયાબેનને માથા પર પથ્થર અને ઈંટ મારી ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ બનાવની જાણ થતાં દાઠા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પીએમ માટે તળાજા સરકારી દવાખાને ખસેડી હતો. આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે દાઠા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પતિએ પત્નિની હત્યા કર્યાંનો બે મહિનામાં બીજો બનાવ
જિલ્લામાં છેલ્લા બે માસમાં પતિએ પત્નિની હત્યા કર્યાંનો આ બીજો બનાવ બન્યો છે. અગાઉ ગત તા.૫ જુનના રોજ પાલિતાણાના શક્તિનગરમાં પતિ-પત્નિના ઝઘડામાં પતિએ પત્નિની હત્યા કરી દીધાંનો ચકચારી બનાવ બન્યો હતો.