અમદાવાદ : નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતીય કોર્પોરેટ જગત દ્વારા ઇક્વિટી અને દેવા દ્વારા ભંડોળ એકત્રિકરણ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. પ્રાઈમ ડેટાબેઝ દ્વારા એકઠા કરવામાં આવેલા ડેટા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા દેવા દ્વારા એકત્ર કરાયેલ ભંડોળ વધીને રૂ. ૧૧.૧ લાખ કરોડે પહોંચ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે પણ આમાં ફાળો આપ્યો છે.
કુલ ૧૧.૦૧ લાખ કરોડ રૂપિયામાંથી ૧૧,૦૪,૩૧ કરોડ રૂપિયા પ્રાઈવેટ ડેટના રોકાણ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા જ્યારે ૮૦૪૪ કરોડ રૂપિયા ખાનગી બોન્ડના ઇશ્યુઅન્સ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા. જોકે જાહેર બોન્ડ બજાર દ્વારા ભંડોળ એકત્રિકરણમાં ઘટાડો જોવા મળ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૪ જાહેર બોન્ડ જારી કરીને રૂ. ૮૦૪૪ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા જ્યારે પાછલા વર્ષે ૪૮ બોન્ડ જારી કરીને રૂ. ૨૦,૭૮૭ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.
આ સમયગાળા દરમિયાન સૌથી મોટો પબ્લિક બોન્ડ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસનો હતો, જેણે રૂ. ૧૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા.
બોન્ડની સરખામણીમાં ખાનગી દેવાના પ્લેસમેન્ટમાંથી ભંડોળ એકત્ર કરવામાં વધારો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગી દેવાના પ્લેસમેન્ટ દ્વારા ફંડ રેસિંગ પાછલા વર્ષની સરખામણીમાં ૬ ટકા વધીને રૂ. ૧૦.૭૯ લાખ કરોડ થયું છે. ગત વર્ષે પ્રાઈવેટ ડેટ દ્વારા ફંડ રેસિંગ ૧૦.૨૦ લાખ કરોડ રૂપિયા હતું. ગયા વર્ષે, ૧૦૩૩ સંસ્થાઓ અને કોર્પોરેટ્સે આ રકમ એકત્ર કરી હતી.
નાબાર્ડે ખાનગી દેવા થકી સૌથી વધુ ૭૨,૩૮૮ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ત્યારબાદ આરઈસીએ ૫૭,૮૨૬ કરોડ રૂપિયા એકત્ર કર્યા અને પીએફસીએ ૫૦,૦૭૭ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ ઉપરાંત ૧૯ ખાનગી પ્લેસમેન્ટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાંથી ૨૫,૫૮૫ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.