Billions Credited Unexpectedly in bank Account: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના દનકૌર વિસ્તારના ઊંચી દનકૌર ગામમાં એક એવી ઘટના બનતા અફરા તફરી મચી ગઈ હતી. હકીકતમાં બન્યું એવુ કે, ગામના એક 20 વર્ષીય યુવાન દીપકના બેંક એકાઉન્ટમાં અચાનક 1 અબજ 13 લાખ 55 હજાર કરોડ રૂપિયાની મોટી રકમ જોવા મળી હતી. આ રકમ એટલી મોટી છે કે ઘણા દેશોની આખી અર્થવ્યવસ્થા પણ તેનાથી નાની છે.
આ પણ વાંચો: ધ્રૂજાવી દેનારા દ્રશ્યો: 34 સેકેન્ડમાં ગામ આખું તણાઈ ગયું, લોકો જીવ બચાવવા આમતેમ દોડતા રહ્યા
મોબાઈલ એપમાં દેખાતી રકમ પરિવાર ન ગણી શક્યો
મળતી માહિતી પ્રમાણે જ્યારે દીપક તેની મોબાઈલ બેંકિંગ એપ ચેક કરી રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે તેના એકાઉન્ટમાં કરોડો કે ખર્વો રુપિયા નહીં, પરંતુ 36 આંકડાની ચોંકાવનારી રકમ જોવા મળી હતી. આટલી મોટી રકમ જોઈને તે અને તેનો પરિવાર ગભરાઈ ગયા. પરિવારના સભ્યો માટે આ રકમ વાંચવી કે ગણવી મુશ્કેલ હતી.
પોલીસ અને આવકવેરા વિભાગ એલર્ટ
જ્યારે આટલા મોટા વ્યવહારના સમાચાર ફેલાતા જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ સાથે તાત્કાલિક બેંક અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરવામાં આવી. જ્યારે મામલો ગંભીર જોવા મળ્યો તો દીપકનું ખાતું તાત્કાલિક ફ્રીઝ કરી દેવામાં આવ્યું.
રકમ બેંકમાં નહીં, માત્ર મોબાઇલ એપમાં જોવા મળી
પોલીસ અને ઈન્કમટેક્ષ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે બેંકની મુખ્ય સિસ્ટમમાં આવી કોઈ રકમ નોંધાયેલી નથી. પરંતુ આ રકમ હજુ પણ દીપકની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશનમાં દેખાય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, આ કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે અથવા કોઈ સાયબર છેતરપિંડીની શરૂઆત હોઈ શકે છે.
તપાસમાં રોકાયેલી છે એજન્સીઓ
જોકે, હાલમાં ઈન્કમટેક્ષ વિભાગ અને સાયબર સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ રકમ ક્યાંથી આવી, તે કેવી રીતે દેખાય છે અને તેની પાછળ કોણ જવાબદાર છે. એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ થયું નથી કે આ બેંકિંગ ખામી છે કે સાયબર ગુનેગારોની કોઈ ચાલ છે.
આ પણ વાંચો: બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં થશે વોટર વેરિફિકેશન, ECએ મતદાર યાદીનું નિરીક્ષણ કરવા આપ્યો આદેશ
સોશિયલ મીડિયા પર હંગામો
આ સમાચાર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે. લોકો દીપકને ‘રિયલ લાઈફ અબજોપતિ’ કહેવાનું શરુ કરી દીધુ અને વિવિધ મીમ્સ અને કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. જોકે, દીપક અને તેના પરિવારનું કહેવું છે કે તેઓ આ અંગેની તપાસની રાહ જોઈ રહ્યા છે અને કોઈપણ પ્રકારની લાલચ નથી.