ટ્રમ્પે ચાઈના પર ટેરિફ વધારી ૨૪૫ ટકા કરતાં વૈશ્વિક સાવચેતી
મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનાના વળતાં પગલાં સામે સખ્ત વલણ અપનાવી ચાઈનાથી આયાત થતી ચીજો પરની ટેરિફ ૧૦૦ ટકા વધારીને ૨૪૫ ટકા કરી દેતાં બન્ને દેશો વચ્ચેનું વેપાર યુદ્વ આક્રમક બનવાના અને એની વિશ્વ પર માઠી અસરના અંદાજો વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી જોવાઈ હતી. અલબત ચાઈનાના બિઝનેસને ફટકો પડવાની સામે ભારત પહેલેથી જ અમેરિકા સાથે દ્વીપક્ષી વેપાર માટે વાટાઘાટ કરી રહ્યું હોઈ ભારતને ફાયદો થવાની અપેક્ષાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ફરી ભારતીય શેર બજારોમાં મોટાપાયે ખરીદદાર બન્યા છે. મંગળવારે એફપીઆઈઝ દ્વારા રૂ.૬૦૬૬ કરોડના શેરોની જંગી ખરીદી બાદ આજે ફોરેન ફંડોની છેલ્લી ઘડીમાં વધુ ખરીદીના આકર્ષણે બજારમાં ઝડપી સુધારો નોંધાયો હતો. ઈન્ડસઈન્ડ બેંકમાં સ્વતંત્ર ઓડિટર્સના રિપોર્ટ બાદ આજે ફંડોની ખરીદીએ બેંકિંગ શેરોમાં અને ઓઈલ-ગેસ શેરોમાં છેલ્લી ઘડીમાં તેજી થતાં સેન્સેક્સે ૭૭૦૦૦ની સપાટી અને નિફટીએ ૨૩૪૫૦ની સપાટી પાર કરી હતી. અંતે સેન્સેક્સ ૩૦૯.૪૦ પોઈન્ટ વધીને ૭૭૦૪૪.૨૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૮.૬૫ પોઈન્ટ વધીને ૨૩૪૩૭.૨૦ બંધ રહ્યો હતો. આ દરમિયાન આવતીકાલે શુક્રવારે ૧૮, એપ્રિલ ૨૦૨૫ના રોજ ગુડફ્રાઈડે નિમિતે શેર બજારો બંધ રહેશે.
બેંકેક્સ ૮૬૯ પોઈન્ટ ઉછળ્યો : ડેરિવેટીવ્ઝ અસર અંદાજથી ઓછી આવતાં ઈન્ડસઈન્ડ બેંક ઉછળ્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ઈન્ડસઈન્ડ બેંકની આગેવાનીમાં તેજી કરી હતી. ઈન્ડસઈન્ડ બેંકમાં ડેરિવેટીવ્ઝ પોર્ટફોલિયોમાં સ્વતંત્ર ઓડિટર દ્વારા તપાસ બાદ રૂ.૧૯૭૯ કરોડની તફાવત અંદાજથી ઓછી આવતાં આ ઓછી અસરના રિપોર્ટની પોઝિટીવ અસરે શેરમાં ખરીદી નીકળતાં રૂ.૫૨.૪૦ વધીને રૂ.૭૮૮.૨૫ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૪૭.૫૦ વધીને રૂ.૧૧૬૧.૫૫, બેંક ઓફ બરોડા રૂ.૫.૯૫ વધીને રૂ.૨૪૦.૯૦, કેનેરા બેંક રૂ.૨.૦૯ વધીને રૂ.૯૪.૭૧, ફેડરલ બેંક રૂ.૩.૩૦ વધીને રૂ.૧૯૫.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૪૫ વધીને રૂ.૭૭૧.૭૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૮૬૯.૧૧ પોઈન્ટ વધીને ૬૦૭૩૬.૦૬ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : ઉનો મિન્ડા રૂ.૨૬, ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૭, મારૂતી સુઝુકી રૂ.૧૭૮ ઘટયા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ગઈકાલે તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ક્રુડ ઓઈલના વધતાં ભાવ સામે અમેરિકાના ટેરિફ મામલે અનિશ્ચિતતાથી નિકાસ મોરચે નવા કમિટમેન્ટના અભાવે આજે સાવચેતી જોવાઈ હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૫.૭૧ પોઈન્ટ ઘટીને ૪૭૪૩૨.૫૯ બંધ રહ્યો હતો. ઉનો મિન્ડા રૂ.૨૬ ઘટીને રૂ.૮૫૨.૧૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૫૭.૧૫ ઘટીને રૂ.૨૫૧૩.૦૫, ભારત ફોર્જ રૂ.૧૮.૩૦ ઘટીને રૂ.૧૦૫૫.૧૦, મારૂતી સુઝુકી રૂ.૧૭૮.૪૫ ઘટીને રૂ.૧૧,૬૭૩.૭૦, ટાટા મોટર્સ રૂ.૫.૭૦ ઘટીને રૂ.૬૧૬.૧૦, એક્સાઈડ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૩૭૭, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૩.૮૦ ઘટીને રૂ.૨૬૩૧.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૧૪.૯૫ ઘટીને રૂ.૩૭૮૮ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં પસંદગીનું આકર્ષણ : વાડીલાલ, એડીએફ ફૂડ્સ, ક્યુપિડ, બલરામપુર ચીની વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. કયુપિડ રૂ.૭.૧૦ ઉછળી રૂ.૭૩.૮૯, ડોમ્સ રૂ.૨૪૪.૬૦ ઉછળી રૂ.૨૮૭૮.૮૫, ફ્લેર રૂ.૧૭.૯૫ વધીને રૂ.૨૫૩.૮૦, જીએમઆર બ્રિવરીઝ રૂ.૪૪ વધીને રૂ.૬૯૭.૬૦, એડીએફ ફૂડ્સ રૂ.૧૩ વધીને રૂ.૨૪૫, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૧૫.૩૦ વધીને રૂ.૬૦૧૩.૩૦, પતંજલિ ફૂડ રૂ.૭૦ વધીને રૂ.૨૦૦૨.૯૫, ગ્લોબસ સ્પિરીટ રૂ.૨૮.૬૦ વધીને રૂ.૧૦૬૦, બલરામપુર ચીની રૂ.૧૪.૨૦ વધીને રૂ.૫૬૫.૪૦, પરાગ મિલ્ક રૂ.૩.૪૦ વધીને રૂ.૧૮૫.૮૦, અવધ સુગર રૂ.૯.૯૫ વધીને રૂ.૪૮૭.૯૦ રહ્યા હતા.
આઈટી શેરોમાં સિલેક્ટિવ તેજી : વિપ્રો પરિણામ પાછળ વધ્યો : ટીસીએસ, સાસ્કેન, ડિ-લિન્ક વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. વિપ્રો લિમિટેડનો ત્રિમાસિક નફો ૨૬ ટકા વધીને આવતાં અપેક્ષાથી સારા પરિણામે શેર રૂ.૩.૪૦ વધીને રૂ.૨૪૭.૫૦ રહ્યો હતો. સાસ્કેન રૂ.૯૨.૦૫ વધીને રૂ.૧૫૨૩.૬૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૨૧.૨૦ વધીને રૂ.૪૫૦.૫૫, એક્સપ્લિઓ રૂ.૧૩.૯૦ વધીને રૂ.૮૭૨, ઓરેકલ ફિનસર્વ રૂ.૭૫.૦૫ વધીને રૂ.૭૮૭૭.૫૫, ટીસીએસ રૂ.૨૬.૩૦ વધીને રૂ.૩૨૭૪, નેલ્કો રૂ.૬.૨૦ વધીને રૂ.૯૦૮, ટેક મહિન્દ્રા રૂ.૭.૨૫ વધીને રૂ.૧૩૦૯.૦૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ છતાં પસંદગીનું આકર્ષણ જળવાયું : ૨૬૩૬ શેરો પોઝિટીવ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ગઈકાલે વ્યાપક તેજી બાદ આજે ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ થોડી નબળી પડી હતી, છતાં વધનાર શેરોની સંખ્યા વધુ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૩૦૩થી ઘટીને ૨૬૩૬ અને ઘટનારની સંખ્યા ૭૮૫થી વધીને ૧૩૦૯ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૭૬ લાખ કરોડ વધીને રૂ.૪૧૫ લાખ કરોડ
શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૭૬ લાખ કરોડ વધીને રૂ.૪૧૫ લાખ કરોડ પહોંચ્યું હતું.
FPIs/FII કેશમાં રૂ.૩૯૩૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૫૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે બુધવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૩૯૩૬.૪૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૫,૨૮૬.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૩૫૦.૪૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૫૧૨.૭૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૧,૦૬૫.૯૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૫૭૮.૭૧ કરોડની વેચવાલી કરી હતી.
અમેરિકા-ચાઈના વચ્ચે વેપાર યુદ્વ વકરતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી : ડાઉ જોન્સ ૧૫૦ પોઈન્ટ તૂટયો
અમેરિકાએ ચાઈનાની ચીજોની આયાત પર ટેરિફ વધારીને ૨૪૫ ટકા કરતાં બન્ને દેશો વચ્ચેનું વેપાર યુદ્વ વકરવાના અને એના પરિણામે વિશ્વમાં મોટી મંદીનું જોખમ ઊભું થતાં વૈશ્વિક બજારોમાં આજે સાવચેતીમાં નરમાઈ જોવાઈ હતી. યુરોપના દેશોના બજારોમાં સાંજે લંડન શેર બજારનો ફુત્સી ૩૧ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૧૧૧ પોઈન્ટનો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૪૯ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. એશીયા-પેસેફિક દેશોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૪૭ પોઈન્ટનો ઘટાડો, હોંગકોંગનો હેંગસેંગ ૪૦૯ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. અમેરિકી શેર બજારો ખુલ્યાની સાથે ખાસ ટેકનોલોજી શેરો એનવિડીયા સહિતમાં ચાઈનાના અંકુશોએ કડાકો બોલાઈ ગયો હતો. નાસ્દાક કોમ્પોઝિટ ઈન્ડેક્સ ખુલતામાં ૩૦૦ પોઈન્ટથી વધુ ઘટાડો અને ડાઉ જોન્સ ૧૫૦ પોઈન્ટથી વધુ ઘટી આવ્યા હતા.
ક્રુડની મજબૂતીએ ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ : ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, ગેઈલમાં મજબૂતી
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત બની રહેતાં ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ક્રુડ ઓઈલના ભાવ બ્રેન્ટ સાંજે ૫૩ સેન્ટ વધીને ૬૫.૨૦ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ પણ ૫૩ સેન્ટ વધીને ૬૧.૮૬ ડોલર નજીક રહ્યા હતા. ઓએનજીસી રૂ.૮.૪૫ વધીને રૂ.૨૪૧.૨૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૨.૦૫ વધીને રૂ.૩૭૮.૪૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૫.૬૫ વધીને રૂ.૧૮૪.૭૦, એચપીસીએલ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૩૯૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૫.૭૦ વધીને રૂ.૩૦૧.૩૫, બીપીસીએલ રૂ.૪.૫૦ વધીને રૂ.૨૯૮.૭૫, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૂ.૧.૧૫ વધીને રૂ.૧૩૩.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૧૮.૪૧ પોઈન્ટ વધીને ૫૬૭૧૫.૬૪ બંધ રહ્યો હતો.