Vice President Election: જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી થયેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગુરુવારથી નોટિફિકેશન જારી થયાની સાથે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આમ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજકીય શતરંજ તૈયાર થઈ રહી છે. એક તરફ જ્યાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ પોતાનો ટેકો મેળવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું I.N.D.I.A. ગઠબંધન પણ વિપક્ષ તરફથી સંયુક્ત ઉમેદવાર ઉતારવાની યોજના બનાવી રહ્યું છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પંચે 1 ઓગસ્ટના રોજ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ઉમેદવારો ગુરુવાર એટલે કે 7 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. 22 ઓગસ્ટે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારો 25 ઓગસ્ટ સુધી પોતાના નામ પાછા ખેંચી શકશે.
9 સપ્ટેમ્બરે થશે મતદાન
જો દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે એક કરતાં વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરશે તો પછી 9 સપ્ટેમ્બરે મતદાન થશે. આવી સ્થિતિમાં સંસદ ભવનના પહેલા માળે આવેલા રૂમ નંબર F-101 વસુધામાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન પૂર્ણ થયા પછી જ મતગણતરી શરૂ થશે. બીજી તરફ પરિણામ પણ 9 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.
જગદીપ ધનખડનું રાજીનામું
21 જુલાઈના રોજ મોડી રાત્રે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું, ત્યારબાદથી સતત સવાલ ઉઠી રહ્યા છે કે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? હવે નામાંકન પ્રક્રિયા શરૂ થતાં જ ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારો માટે મંથન શરૂ કરી દીધુ છે. શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા ઘણા નામોની અટકળો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈના નામ પર મહોર નથી લાગી.
ભાજપની વ્યૂહરચના
ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ માટે એવા નેતાને ઉમેદવાર બનાવવાની વ્યૂહરચના બનાવી રહી છે જે પક્ષ તેમજ સંઘની વિચારધારામાં ફિટ બેસે. આ સાથે જ તે એક એવા ચહેરાની તલાશમાં છે જેના નામ પર તે NDA ઘટક પક્ષોની સંમતિ તેમજ વિરોધ પક્ષોનું સમર્થન મેળવી શકે.
ભાજપ ખાસ કરીને એવા વિપક્ષી દળો પર નજર રાખી રહી છે જે હાલમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોક સાથે ઉભા નથી. બીજી તરફ કોંગ્રેસ વિપક્ષમાંથી એક સંયુક્ત ઉમેદવાર ઉતારવાનો પ્રયાસ કરી રહી છે જેથી તે NDA ઉમેદવારને તગડી ટક્કર આપી શકે. કોંગ્રેસ સંપૂર્ણપણે એક્ટિવ થઈ ગઈ છે અને આ વખતે રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે.
ભાજપની સાથે ઊભી શિવસેના-JDU-TDP
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં એનડીએ નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અંગે ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું. બુધવારે શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને બિનશરતી સમર્થન આપવાનું એલાન કર્યું હતું.
આ પણ વાંચો: Big Breaking: ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે?
ભાજપ આવતા અઠવાડિયે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કર્યા પછી પોતાના સાથી પક્ષો સાથે વાતચીત કરશે. જોકે, ભાજપને તમામ સાથી પક્ષોનો ટેકો મળવાની ખાતરી છે. આ વચ્ચે ભાજપ આ ઉપરાષ્ટ્રપતિ પદ માટે તેના બે સૌથી મોટા સાથી પક્ષો જેડીયુ અને ટીડીપીનું સમર્થન મળવાથી નિશ્ચિત છે. ત્યાર પછી પણ ભાજપ કોઈ કસર છોડી નથી રહી. ભાજપે પોતાના સાથી પક્ષો સાથે પ્રારંભિક સ્તરે વાતચીત પણ કરી છે. શિવસેનાની જેમ, અપના દળ (એસ), જેડીયુ અને ટીડીપીએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
વિપક્ષના વલણને જોતાં એ સ્પષ્ટ છે કે ભાજપના ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ પદ પર બિનહરીફ બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે. આવી સ્થિતિમાં ભાજપની યોજના પહેલા ઉમેદવાર તલાશવાની છે. ઉમેદવારના નામની જાહેરાત કર્યા પછી, ભાજપ સર્વસંમતિ બનાવવા માટે તેના વરિષ્ઠ નેતાઓને કામે લગાડશે. એવું માનવામાં આવે છે કે વિપક્ષ સાથે સર્વસંમતિ બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે.
ભાજપની નજર બિન-કોંગ્રેસી વિપક્ષી દળોને આકર્ષવા પર પણ છે. ભાજપને તેના સાથી પક્ષોનો ટેકો મળ્યા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ પર જીતને લઈને કોઈ શંકા નથી. આવી સ્થિતિમાં ઉમેદવારનું નામ નક્કી કરવા મામલે પાર્ટી ઉતાવળમાં નથી, કારણ કે નામાંકન માટેની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે. ભાજપે પોતાનું પત્તુ ખોલવા પહેલા પોતાના સાથી પક્ષો સાથે વાતચીત શરૂ કરી દીધી છે, જેના પરિણામે શિવસેનાએ બુધવારે ખુલ્લેઆમ NDAને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસની વ્યૂહરચના
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષ પણ સંપૂર્ણપણે એક્ટિવ થઈ ગયો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ સાથે રાત્રિભોજનનું આયોજન કર્યું છે, જેમાં ભવિષ્યની વ્યૂહરચનાની સાથે-સાથે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પર ચર્ચા થવાની શક્યતા છે. આ વખતે કોંગ્રેસ એક સામાન્ય ઉમેદવાર ઉભા કરીને વિપક્ષી એકતાનો સંદેશ આપવાની સાથે NDA સાથી પક્ષોને મૂંઝવણમાં મૂકવાની વ્યૂહરચના બનાવી રહી છે.
કોંગ્રેસની વ્યૂહરચના ભાજપને ઘેરવાની છે. આ ચૂંટણીના બહાને કોંગ્રેસની નજર વિપક્ષી એકતા સ્થાપિત કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરીને NDAને ઘેરવાની છે. 2024ની લોકસભા ચૂંટણી પછી આ પહેલી વાર છે જ્યારે I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ એક થઈ રહ્યા છે. વિપક્ષી દળોનું માનવું છે કે એક મજબૂત ઉમેદવાર સાથે તેઓ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને રસપ્રદ બનાવી શકે છે, અને જો તેઓ NDA ઉમેદવારને જીતતા રોકી ન શકે, તો પણ તેઓ ચોક્કસપણે તેમને ધનખડ જેવી મોટી જીતથી પાછળ રાખી શકે છે.
કેવી રીતે થાય છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી?
જગદીપ ધનખડના રાજીનામાના કારણે ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે, પરંતુ શું તમે જાણો છો કે તમે અને હું આ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. તો પછી ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ ચૂંટે છે અને આ ચૂંટણી રાષ્ટ્રપતિની ચૂંટણીથી કેટલી અલગ છે? સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભાના સભ્યો દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન કરે છે. લોકસભા અને રાજ્યસભાના કુલ 782 સાંસદો છે, જેઓ મતદાનમાં ભાગ લેશે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે સાંસદો EVM દ્વારા નહીં પરંતુ બેલેટ પેપર અને ‘સિંગલ ટ્રાન્સફરેબલ વોટ’ સિસ્ટમ દ્વારા મતદાન કરે છે. સ્પેશિયલ પેન દ્વારા જ મતદાન કરી શકાય છે. મતદાન માટે નિર્ધારિત પેનનો ઉપયોગ ન કરવાથી મતદાન રદ કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વ્હીપ લાગુ પડતો નથી. આવી સ્થિતિમાં પક્ષો પોતાના સાંસદોને મતદાન કરવા માટે દબાણ નથી કરી શકતા. સાંસદો પોતાની ઇચ્છા મુજબ મતદાન કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.