NSUI Protest in Gujarat University : ગુજરાત યુનિવર્સિટીમાં આજે NSUI અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિની ઓફિસ પાસે NSUIના 300થી વધુ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. શ્વેતલ સુતરીયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની અને તેમના રાજીનામાની માંગણી સાથે આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
NSUIના કાર્યકરોએ કુલપતિની ઓફિસને તાળું મારવાનો પ્રયાસ કર્યો હતો અને કુલપતિની કચેરીની બહાર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા ઘર્ષણ થયું હતું. પોલીસે કાર્યકરોને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા
શ્વેતલ સુતરીયા પર ભ્રષ્ટાચારના આરોપો
NSUIના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે શ્વેતલ સુતરીયાએ HRDCના ડાયરેક્ટર અને અન્ય લોકો પાસેથી લાખો રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે ફરિયાદ થયા બાદ તેમનું રાજીનામું લેવાયું હતું. NSUIએ આ મામલે પોલીસ ફરિયાદની માંગણી કરી છે અને શ્વેતલ સુતરીયાના સાથી આશિષ અમીનના કોન્ટ્રાક્ટ અને ટેન્ડર પણ રદ કરવાની માંગ કરી છે.
આ મામલાને લઈને યુનિવર્સિટીમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. NSUIના કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે. બીજી તરફ, પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે યુનિવર્સિટી પરિસરમાં સુરક્ષા વધારી દીધી છે.