વડોદરાઃ ભારતના આઝાદી પર્વ આડે એક સપ્તાહનો સમય બાકી છે.આ દિવસે ઠેર- ઠેર ભારતના તિરંગાને સલામી અપાશે.ભારતના રાષ્ટ્ર ધ્વજનો પણ એક રસપ્રદ ઈતિહાસ છે.ભારતનો પ્રથમ રાષ્ટ્ર ધ્વજ બનાવનાર મેડમ ભીખાઈજી કામા હતા અને તેમના વંશજો પૈકીનો એક પરિવાર વડોદરા જિલ્લાના ડભોઈ જિલ્લાના બાણેજ ગામમાં રહે છે.
ભીખાઈજી કામા મુંબઈના હતા અને તેમા લગ્ન મુંબઈના વકીલ રુસ્તમજી કામા સાથે થયા હતા.રુસ્તમજી કામાના પરિવારના મૂળ ભરુચમાં હતા.ભીખાઈજી કામાના શ્વસુર પક્ષના ઘણા સભ્યો ધંધા રોજગાર માટે ગુજરાતના વિવિધ હિસ્સાઓમાં વસ્યા હતા.આ પૈકીના એક દોરાબજી કામાને મહારાજા સયાજીરાવ ગાયકવાડે બાણજ ગામમાં ૪૫૦ વીઘા જમીન આપી હતી.તેઓ આ ગામના ૨૦ વર્ષ સુધી સરપંચ રહ્યા હતા.
દોરાબજી કામાના બીજા પત્ની પારસી નહોતા અને તેમનાથી તેમને બે સંતાનો થયા હતા.આ પૈકીના તેમના એક પુત્ર જમશેદજીના પાંચ સંતાનો હતા.જેમાં ત્રણ ભાઈઓ અને બે બહેનોનો સમાવેશ થતો હતો.આ બે બહેનો વિદેશમાં છે જ્યારે ત્રણ ભાઈ પૈકી બેનું નિધન થઈ ચૂકયું છે.બાકી રહેલા મનેશભાઈ છે.જેમણે પણ બિન પારસી મહિલા સાથે લગ્ન કર્યા હતા.મનેશ ભાઈ , તેમના પત્ની શકુંતલાબેન અને પુત્ર હોમીભાઈ બાણજ ગામમાં જ રહે છે.મનેશભાઈ કામા અને તેમનો પરિવાર આજે પણ પારસી પરંપરાઓનું પાલન કરે છે.જોકે મનેશભાઈને તેમના દાદા અને રુસ્તમજી કામા વચ્ચે શું સબંધ હતો તેની જાણકારી નથી.કામા પરિવાર પાસે આજે ૫૨ વીઘા જમીન રહી છે. આ જમીન તેઓ ખેતી માટે ભાડા પટ્ટે આપીને જીવન નિર્વાહ કરી રહ્યા છે.
મેડમ કામાએ ૧૯૦૭માં જર્મનીમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો
ભારતનો પહેલો રાષ્ટ્ર ધ્વજ ૧૯૦૬માં કોલકાતામાં લહેરાવવામાં આવ્યો હતો.વર્ષ ૧૯૦૭માં મેડમ ભીખાઈજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં ધ્વજ લહેરાવ્યો હતો.૧૯૨૧માં પિંગળી વૈકયાએ ધ્વજની એકરુપ રચના કરી હતી.એ પછી અલગ અલગ સમયે ધ્વજમાં ફેરફારો થયા હતા.તા.૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ બંધારણીય સભાએ અત્યારના ત્રિરંગાને ભારતીય રાષ્ટ્ર ધ્વજ તરીકે માન્યતા આપી હતી.