વડોદરા,ટલાદરા પાદરા રોડ પર રોડ ઓળંગતી મહિલાને પૂરઝડપે આવતી બાઇકે ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
પાદરા તાલુકાના ગયાપુરા ગામના મૂળ રહેવાસી ભગુભાઇ ભગવાનભાઇ પરમાર હાલમાં અટલાદરા નિલકંઠ રેસિડેન્સીમાં રહે છે. તેમના મોટા ભાઇ ઇશ્વરભાઇ ભવાનભાઇ પરમાર અને ભાભી કમળાબેન દિપ દર્શન – ૨ માં રહે છે. કમળાબેન આજે સવારે સાડા નવ વાગ્યે ઘરેથી ચાલતા ઘરકામ કરવા માટે નીકળ્યા હતા. અટલાદરા પાદરા રોડ પર તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન પૂરઝડપે આવતી એક બાઇકના ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેમજ બંને બાઇક સવારને પણ ઇજા પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે એમ્બ્યુલન્સમાં ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કમળાબેનને સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.