ગ્રાહકના સ્વાંગમાં જઈ સોનાના દાગીના તફડાવી લેતા હતા : અમરેલીના 4 આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા
ગઢડા, : ગઢડા(સ્વામીના) શહેરના ટાવર રોડ વિસ્તારમાં તુલસી જ્વેલર્સ નામની દુકાનમાંથી વેપારીની નજર ચુકવી આશરે પાંચ જોડી સોનાની બુટ્ટી ચોરીને બે અજાણી મહિલાઓ રફુચક્કર થઈ હતી. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચોરીને અંજામ આપતી સાસુ-જમાઈની ચોર ટોળકીને ઝડપી પાડી છે.
ગઢડા(સ્વામીના) શહેરના ટાવર રોડ વિસ્તારમાં આવેલી તુલસી જ્વેલર્સ નામની દુકાનમાંથી ગત તા.૧૮ જૂલાઈના રોજ આશરે ત્રીસ ગ્રામ વજનની પાંચ જોડી સોનાની બુટ્ટી ચોરીને બે અજાણી મહિલાઓ રફુચક્કર થઈ જવાના પગલે દુકાન માલિક ચેતનભાઇ જેન્તીભાઇ ચાંપાનેરીએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને ગઢડા પોલીસે તપાસ હાથ ધરી આ ચોરીને અંજામ આપનાર સાસુ સવિતાબેન હકાભાઈ ભોજવીયા, જમાઈ પ્રવિણભાઇ કાંતિભાઈ જખવાડીયા તથા આશાબેન સંજયભાઈ ભોજવીયા અને સિકંદર યુનીસભાઈ સીરમાની (તમામરહે. વડીયા, જી.અમરેલી)ને ઝડપી લઈ પુછપરછ કરતા બંને મહિલાઓ અગાઉથી નક્કી કરેલી સોનીની દુકાને ગ્રાહકના સ્વાંગમાં જઈ નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરતી હતી અને બાકીના બન્ને શખ્સો સાથે ખાનગી વાહનોમાં રફૂચક્કર થઈ જતા હતા. પોલીસે ઉક્ત ચારેય પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓ પાસે ઘટનાનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.