Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પીવાનું પાણી, દૂષિત પાણી અને સ્વચ્છતા મુદ્દે ખાસ ભાર મુકવા માંગે છે. તિરંગા યાત્રા સંદર્ભે યોજાનારા કાર્યક્રમોમાં પણ સ્વચ્છતા પર ભાર મુકાયો છે, અને તેને લગતી હરીફાઇ પણ યોજાશે.
વડોદરા શહેરમાં આવેલા બાગ બગીચાઓમાં ફરવા આવતા લોકો જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરે તે માટે સિક્યુરિટીને સજાગ રહેવા કહ્યું છે. બાગમાં સ્વચ્છતા સંદર્ભે બોર્ડ મૂકવામાં આવશે. જાહેરમાં જ્યાં ત્યાં થૂકીને અને કચરો ફેંકીને ગંદકી કરવાની વર્તણુકમાં બદલાવ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. કચરો એકત્રિત કરવાની કામગીરી વધુ સઘન કરવા ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટને નિયંત્રિત કરાશે. જથ્થાબંધ ભીનો કચરો પેદા કરતા એકમો જેમ કે હોટેલ રેસ્ટોરન્ટ વગેરેમાંથી આવો કચરો એકત્રિત કરી બાયો ઓર્ગેનિક કમ્પોસ્ટ બનાવવા સંબંધિત વિભાગને સૂચના અપાઇ છે. જે જુના પ્લાન્ટ છે તે ચાલુ કરવાનું કહી દેવાયું છે. આ ઉપરાંત લોકો ખુલ્લામાં જાહેર રોડ પર કચરો ફેંકે છે, ત્યાં વોચ ગોઠવીને આવા લોકોને પકડીને દંડ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોનના પાંચેય વોર્ડમાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવામાં આવ્યો હતો, આશરે પાંત્રીસ હજારના દંડની વસુલાત કરવામાં આવી હતી. તંત્રનું કહેવું છે કે વહેલી સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી લોકો નોકરી ધંધા માટે નીકળે ત્યારે કચરો ફેંકતા જાય છે, અને ગંદકી કરે છે. આવી કુટેવ ધરાવતા લોકોને કોર્પોરેશનની ટીમે પકડી પાડ્યા હતા. દરેક વોર્ડમાં બે બે કર્મચારીઓની ટીમ બનાવીને જાહેરમાં કચરો ફેંકતા લોકોને પકડીને દંડ કરવામાં આવશે. કોર્પોરેશને કહ્યું છે કે ગમે ત્યાં કચરો ફેંકવાના બદલે ડોર ટુ ડોરની ગાડીમાં જ કચરો નાખવો જોઈએ.