દાહોદ-ફતેપુરા તા.૧૦ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાંથી નકલી નોટો ઝડપાયા બાદ આંતરરાજ્ય નકલી નોટો છાપવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ કૌભાંડમાં દાહોદ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી એસ.ટી. બસના ડ્રાઇવર અને તેની પત્ની સહિત વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. એટલું જ નહી પરંતુ ફતેપુરા તાલુકાના લીમડિયા ગામે દરોડો પાડીને નકલી ચલણી નોટોનો જથ્થો તેમજ તેને લગતી સામગ્રી પણ કબજે કરી છે.
રાજસ્થાનના બાંસવાડામાં નકલી ચલણી નોટોનું છાપખાનું ઝડપાયા બાદ દાહોદ પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે ચાર શંકાસ્પદ મોબાઇલ નંબરની તપાસ કર્યા બાદ પોલીસે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામે માંડલી ફળિયામાં રહેતા એસ.ટી. ડ્રાઇવર કાનજી ખુમાનભાઇ ગરાસિયાના ઘરે દરોડો પાડયો હતો.
એસ.ટી. ડ્રાઇવરના ઘરમાંથી પોલીસને ૫૦૦ રૃપિયાના દરની નોટો પર જોવા મળતી લીલી સિક્યુરિટી થ્રેડવાળા ૧૪૩ કાગળો અને કાળા રંગની તૂટક પટ્ટીવાળા ૩૩૨ ઝેરોક્ષ કાગળો ઉપરાંત ૫૦૦ રૃપિયાની ૪૨ નકલી નોટો છાપેલા ૧૪ કાગળો પણ મળ્યા હતા. પોલીસે કાનજી ગરાસિયા અને તેની પત્ની અશ્વિનાબેનની ધરપકડ કરી બંનેના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
નકલી નોટોના કૌભાંડમાં કાનજી ગરાસીયા સાથે સંડોવાયેલા ફતેપુરા તાલુકાના છાલોર ગામના મુકેશ જોગડાભાઇ કામોળ, વાંગડ ગામના રાકેશ પારગી અને પેથાપુરના હરિશચંદ્ર ઉર્ફે વિષ્ણુ પરસોત્તમ પંચાલની પણ ધરપકડ કરી છે.
હુસેનનું નેટવર્ક પાંચ રાજ્યોમાં ફેલાયું
હૈદ્રાબાદનો હુસેન પીરા ડિસેમ્બર ૨૦૨૪માં તેલંગાણા રાજ્યમાં નકલી નોટોના ગુનામાં પકડાઈ જતાં હાલ હૈદ્રાબાદ જેલમાં બંધ છે. રાજસ્થાનના બાંસવાડા તેમજ ગુજરાતના દાહોદ જિલ્લાના નકલી નોટોના પ્રકરણમાં તેનું નામ ખૂલતા તેની ટ્રાન્સફર વોરંટના આધારે લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે હુસેન પીરાનું નેટવર્ક તેલંગાણા, કર્ણાટક, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં ફેલાયેલું હતું.