Ahmedabad Food Department : વિવિધ ખાદ્યચીજોમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. ખાણી-પીણીની મોટાભાગની ચીજોમાં નકલીનો કારોબાર વ્યાપક પ્રમાણમાં ચાલી રહયો છે. આમ છતાં અમદાવાદ મ્યુનિ.ના ફૂડ વિભાગે સાત વર્ષમાં લીધેલા 21927 પૈકી માત્ર 39 ફૂડ સેમ્પલ જ અનસેફ જાહેર કરાયા છે. ખાદ્યચીજોમાં જંતુઓ નીકળવાની સતત વધતી ફરિયાદોની વચ્ચે મ્યુનિ.ફૂડ વિભાગ ફરિયાદ મળ્યા પછી જાગીને કાર્યવાહી કરવા દોડી જાય છે.
મ્યુનિ.ફૂડ વિભાગ ફરિયાદ મળ્યા પછી જાગી કાર્યવાહી કરવા દોડી જાય છે
ફૂડ સેફટી એકટ-2006 અંતર્ગત વિવિધ ખાદ્યચીજોના સેમ્પલ લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામા આવે છે. ફૂડ વિભાગ તરફથી લેવામા આવતા સેમ્પલના રીપોર્ટ સામાન્ય રીતે પંદર દિવસમાં જાહેર કરવાના હોય છે. છતાં સમયની મર્યાદામાં ફૂડ વિભાગ કયારેય લીધેલા ફૂડ સેમ્પલના રીપોર્ટ જાહેર કરી શકયુ નથી. અદ્યતન લેબોરેટરી હોવાના કરાતા દાવા વચ્ચે 11 ફેબ્રુઆરી-25ના રોજ નકલી ઘીના વેચાણની શંકાના આધારે લેવામા આવેલા ઘીના સેમ્પલ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવા પડયા હતા.
આ પણ વાંચો: પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન, જુઓ રોમાંચક લેન્ડિંગનો VIDEO
જેના રીપોર્ટ હજુ સુધી આવ્યા નથી. નકલી ઘીના વેચાણની શંકાના આધારે ખોખરા વિસ્તારમાં જે દુકાન અને ગોડાઉન સીલ કરાયા હતા ત્યાં ઘી નહીં પણ તેલનુ વેચાણ કરાતુ હોવાનુ તપાસમાં ખુલતા સીલ કરાયેલા એકમ ખોલી અપાયા હોવાનું એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ કહ્યું છે. તેમના કહેવા મુજબ,વડોદરા મોકલાયેલા ઘીના સેમ્પલનો રીપોર્ટ હજુ સુધી મ્યુનિ.ના ફૂડ વિભાગને મળ્યો નથી. અદ્યતન લેબોરેટરી છતાં કયા કારણથી ઘીના સેમ્પલ વડોદરા ખાતે આવેલી લેબોરેટરીમા મોકલવા પડયા તેનો સંતોષકારક જવાબ અપાયો નહતો.
કયા વર્ષમાં કેટલા ફૂડ સેમ્પલ અનસેફ જાહેર કરાયા
વર્ષ | ફૂડ સેમ્પલ | અનસેફ |
2019 | 2117 | —- |
2020 | 1847 | —- |
2021 | 3014 | 05 |
2022 | 3098 | 04 |
2023 | 5731 | 12 |
2024 | 5731 | 14 |
2025 | 837 | 04 |