– બિલ ભરવા માટે ફાંફા, લૉનની દરખાસ્ત મોકલાઈ
– શહેરમાં ૩ હજાર પાણીના જોડાણો : કનેક્શન કપાશે તો ઉનાળામાં પીવાના પાણીનો કકળાટ થશે : સ્ટ્રીટ લાઇટનું બિલ ભરાઇ જતા રાહત
આણંદ : આંકલાવ નગરપાલિકામાં બે વર્ષ વહીવટદારના શાસન બાદ હવે ભાજપે સત્તા સંભાળી છે. ત્યારે દેવાદાર બનેલી આંકલાવ પાલિકાને વૉટર વર્ક્સના અંદાજિત રૂા. ૧.૭૬ કરોડના બાકી વીજ બિલની રકમ ભરવામાં ફાંફાં પડી રહ્યા છે. જો કનેક્શન કપાશે તો આંકલાવમાં ઉનાળામાં પીવાના પાણીનો કકળાટ શરૂ થાવાની સંભાવના છે.
આંકલાવ પાલિકા વિસ્તારમાં અંદાજિત ૫૨૦૦થી વધુ રહેણાંક અને કોમર્શિયલ મિલકતો આવેલી છે. પાલિકા દ્વારા આ મિલકતોમાં ૩,૦૦૦ જેટલા પાણીના કનેક્શનો અપાયા છે.
આંકલાવ શહેરમાં હાલ પાણીની પાંચ ટાંકી અને છ જેટલા બોર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકામાં વૉટર ટેક્સ સહિતના વેરા વસૂલાતમાં બેદરકારીના કારણે અંદાજિત રૂા. ૧.૭૬ કરોડનું વૉટરવર્ક્સનું વીજ બિલ સરકારના ચોપડે બાકી પડી રહ્યું છે.
બાકી વીજ બિલ ભરી દેવા માટે પાલિકા તંત્રને વારંવાર જાણ પણ કરાઈ છે પરંતુ, દેવાદાર સ્થિતિમાં પાલિકા હોવાથી હાલ લાઈટ બિલ ભરી શકે તેવી પરિસ્થિતિ જણાતી નથી. પાલિકા દ્વારા વૉટરવર્ક્સના રૂા. ૧.૭૬ કરોડના વીજ બિલ માટેની લોનની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી છે. જે મંજૂર થશે તો વૉટર વર્ક્સનું વીજ બિલ ચૂકતે થશે. ત્યારે જો કનેક્શન કપાઈ જાય તો આંકલાવ શહેરમાં ઉનાળામાં જ પીવાના પાણી માટે કકળાટ શરૂ થાય તેવી સંભાવના રહેલી છે.
જો કે, પાલિકામાં હાલ સ્ટ્રીટ લાઈટનું બિલ બાકી નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે.