– નડિયાદના સલુણ વાંટાની કેનાલ પાસે ખેતરમાં
– દારૂની 1,542 બોટલો સાથે એક્ટિવા જપ્ત : ખેતરાળ રસ્તે બુટલેગર ભાગી જતા કામગીરી સામે સવાલો
નડિયાદ : નડિયાદના સલુણ વાંટા કેનાલ પાસે ખેતરમાં દારૂના કટિંગ વખતે ખેડા એલસીબીએ દરોડો પાડી રૂા. ૩.૩૫ લાખના વિદેશી દારૂની ૧૫૪૨ બોટલોના જથ્થા સાથે એક્ટિવા ઝડપી પાડયું હતું. જો કે, દારૂની હેરાફેરી કરનારા બુટલેગર નાસી જતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્ય છે.
નડિયાદ તાલુકાના સલુણ વાંટા મરીડા તરફ જતી કેનાલ પાસે એલસીબી ખેડા પોલીસ ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. ત્યારે સલુણ વાટા વિસ્તાર મરીડા ગામ તરફ કેનાલ પાસે ખેતરમાં રવિભાઇ ગોપાલભાઇ તળપદા રહે.નડિયાદ, મરીડા ભાગોળ પીળવાઇ તળાવડી પાસે માણસો સાથે મળી ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવી એક્ટિવા પર દારૂનું કટિંગ કરતો હતો.
દરોડો પાડતા પોલીસને જોઈ સ્થળ પર હાજર ઇસમો અંધારામાં ખેતરાળુ રસ્તે ભાગી ગયા હતા. સ્થળ પરથી રૂા. ૩,૩૫,૪૮૦ના બિયર- દારૂની ૧,૫૪૨ બોટલોનો જથ્થો, રૂા. ૩૦ હજારનું એક્ટિવા સહિત રૂા. ૩,૬૫,૪૮૦નો મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે દારૂની હેરાફેરી કરનારો બુટલેગર રવિ ગોપાલભાઈ તળપદા નાસી ગયો હતો.
આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે રવિ તળપદા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.