દસાડાના મોટા ઉભાડામાં મોતનો મલાજો પણ ન સચવાયો
અનુ.જાતિના સ્મશાન જવાના રસ્તા પર દર ચોમાસામાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા રોષ
સુરેન્દ્રનગર – દસાડાના મોટા ઉભાડામાં સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે મોતનો મલાજો પણ ન સચવાયો નહતો. અનુ.જાતિના સ્મશાન જવાના રસ્તા પર પાણી ભરાઇ જતાં મૃતકની અંતિમ યાત્રા ટ્રેક્ટરમાં કાઢવી પડી હતી. દર ચોમાસામાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતા દલિતોમાં રોષ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયા બાદ રસ્તા પર લાંબા સમય સુધી ૫ાણી ભરાઈ રહેવાની સમસ્યાના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આવી જ ઘટના દસાડાના મોટા ઉભડા ગામે સામે આવી છે. જ્યાં વરસાદ પડયા બાદ પણ અનેક અનુ.જાતિના સ્મશાન જવાના રસ્તા પર લાંબા સમય સુધી ડાઘુઓને હાલાકી વેઠવી પડી છે.
તાજેતરમાં પણ આ રસ્તા પર વરસાદી પાણી હોવાના કારણે પરિવારજનો સહિત ડાઘુઓને ખેતરના માર્ગે મૃતકની અંતિમયાત્રા કાઢવાની નોબત આવી હતી અને મૃતદેહને પણ ન છુટકે ટ્રેકટરમાં રાખી સ્મશાન સુધી લઈ જવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષથી આ સમસ્યા દર ચોમાસામાં સર્જાય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા દલિત સમાજમાં રોષ જોવા મળ્યો છે. દલિત સમાજે તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે.