મુંબઈ : સાત માર્ચના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ૧૧.૧૦ ટકા ધિરાણ વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૧૦.૨૦ ટકા રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. આમ થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે ૯૦ બેઝિસ પોઈન્ટનું અંતર છે.
છેલ્લા લાંબા સમયથી ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચે અંતર રહેતું હોવાથી બેન્કોએ પોતાની લિક્વિડિટીની આવશ્યકતા પૂરી કરવા કમર્સિઅલ ડિપોઝિટસ (સીડી) જેવા ઋણ સાધનોનો ઉપયોગ કરવો પડે છે.
સમીક્ષા હેઠળના પખવાડિયામાં બેન્કોમાં થાપણ આંકમાં રૂપિયા ૨,૨૯,૨૪૪ કરોડનો વધારો થયો હતો જ્યારે ધિરાણમાં રૂપિયા ૧,૪૨,૯૭૨ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી.
સાત માર્ચના સપ્તાહમાં પગાર તારીખ પડતી હોવાથી થાપણમાં વધારો થવામાં મદદ મળી છે. બેન્કિંગ વ્યવસ્થામાં સાત માર્ચના અંતે બાકી પડેલી થાપણનો આંક રૂપિયા ૨૨૫૧૦૧૨૩ કરોડ રહ્યો હતો જ્યારે બાકી પડેલી ધિરાણનો આંક રૂપિયા ૧૮૧૨૮૫૮૨ કરોડ રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
રિઝર્વ બેન્ક દ્વારા બેન્કો માટે રિસ્ક વેઈટ ધોરણમાં ઘટાડો કરાતા આગામી દિવસોમાં ધિરાણમાં વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે વધી રહેલા અંતરને પરિણામે દેશની બેન્કોએ તેમના ફન્ડિંગની આવશ્યકતા માટે સીડી પર આધાર રાખવો પડે છે.
વર્તમાન નાણાં વર્ષના ૭ માર્ચ સુધી પ્રાઈમરી માર્કેટમાં કુલ રૂપિયા ૧૦.૫૮ લાખ કરોડના સીડી જારી કરાયા છે, જે અત્યારસુધીનો વિક્રમી આંક છે.
સીડી મારફત ભંડોળ ઊભા કરવામાં ધસારાને પરિણામે નાની બેન્કોના સીડી પરના વ્યાજ દર આઠ ટકા જેટલા ઊંચા બોલાઈ રહ્યા હોવાનું પણ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.