Surat : સુરત પાલિકાના એફોર્ડેબલ હાઉસીંગ વિભાગમાં ઝેરોક્ષ માટેનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ ઈજારદારે લાંબા સમય સુધી કામગીરી કરી ન હતી. પાલિકાએ ઈજારદારને નોટિસ આપી હતી. તેમ છતાં હાજર ન રહેતા આખરે ઈજારદારને બ્લેક લિસ્ટ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.
સુરતના ધાસ્તીપુરા ખાતે પાલિકાના એફોર્ડેબલ હાઉસીંગ વિભાગની કચેરી આવી છે. આ કચેરીમાં ઝેરોક્ષની કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયામાં લોએસ્ટ આવનાર એજન્સી શાહ પ્રિન્ટર્સને કામગીરી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાલિકાએ એજન્સીને 14 ઓગસ્ટ-2024ના રોજ વર્કઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યો હતો. વર્ક ઓર્ડર બાદ મળ્યા બાદ સાત દિવસમાં કામગીરી શરૂ કરવા માટેની શરત ટેન્ડરમાં હતી. પરંતુ ઇજારદારે 10 મહિના સુધી ઝેરોક્ષ મશીન મુકી કામગીરી શરુ કરી ન હતી. આ માટે પાલિકાએ નોટિસ આપી હતી પરંતુ ઈજારદાર નોટિસ બાદ પણ હાજર રહ્યાં ન હતા. પાલિકાએ બીજી વખત એજન્સીએ કામગીરી શરુ કરી ન હોવાથી બ્લેક લિસ્ટ કરવા માટેની કાર્યવાહી શરુ કરી હતી.
પાલિકાની આ કામગીરી બાદ ઇજારદારે વર્ક ઓર્ડર એક માસ માટે લંબાવી આપવા તથા વ્યાજ અને પેનલ્ટી માફ કરવા માટે પાલિકામાં અરજી કરી હતી. જોકે, આ પત્ર બાદ પણ એજન્સીએ ઝેરોક્ષ મશીન મુકવાની કામગીરી કરી ન હતી જેના કારણે એપ્રિલ 2025 માં મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર રહેવા માટે પત્ર લખ્યો હતો. આ સમયે ઇજારદારે સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાનું કારણ આગળ ધર્યું હતું. ત્યારબાદ એજન્સીએ ધાસ્તીપુરાની ઓફિસમાં બે ઝેરોક્ષ મશીન મુક્યા હતા પરંતુ આ મશીન બગડેલા હતા તેથી ઝેરોક્ષની કામગીરી થઈ ન હતી.
ત્યારબાદ એજન્સીએ મે 2025 માં મેડિકલ પેપર રજુ કરીને કામગીરી માટે તેઓ સક્ષમ નથી તેવો પત્ર પાલિકાને લખ્યો હતો. જોકે, આ પહેલા આ એજન્સીને લિંબાયત ઝોનમાં કામગીરી સોંપી હતી તે કામગીરી પણ સંતોષકારક ન હોવાનું બહાર આવ્યું હતું અને એક વર્ષ માટે અબેયન્સમાં રાખવાની કાર્યવાહી થઈ હતી. આવી નબળી કામગીરી કરનારા ઈજારદારને બે વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે જેના પર આગામી ગુરુવારે સ્થાયી સમિતિ નિર્ણય કરશે.