મુંબઈ : નાણા વર્ષ ૨૦૨૪-૨૫નો ઉતરાર્ધ ભારતીય શેર બજારોમાં રોકાણકારો માટે નિરાશાજનક રહ્યો. ઈઝરાયેલ-હમાસ યુદ્વ કે યુક્રેન-રશીયા વોરના કારણે સર્જાયેલી જીઓપોલિટીકલ ટેન્શનના પડકારો છતાં આ પરિસ્થિતિમાંઅડીખમ રહી વિક્રમી તેજી બતાવનાર સેન્સેક્સ, નિફટીની સાથે અનેક શેરોમાં રેકોર્ડ ઊંચા ભાવો જોવા મળ્યા હતા. પરંતુ તેજીના અતિરેકની સાથે ઘણા શેરોમાં વેલ્યુએશન ખર્ચાળ બની જતાં અને છેલ્લા પાંચથી છ મહિનામાં આ પરિબળોની સાથે અમેરિકામાં સત્તા પરિવર્તન સાથે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થવાનું પરિબળ રોકાણકારો, વૈશ્વિક બજારો માટે ઘાતક પૂરવાર થયું. અમેરિકા ફર્સ્ટના ચૂટણી વચનની સાથે ટેરિફ વોરમાં વિશ્વને ધકેલનારા ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિઓની આક્રમકતા સાથે અનિશ્ચિતતાએ વિશ્વના અનેક બજારોમાં ઉથલપાથલ મચાવ્યા સાથે ભારતીય શેર બજારોમાં પણ ગભરાટ સાથે મોટા ગાબડાં પાડયા છે. આમ નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ છમાસિકમાં ઘણા ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોથી લઈ રિટેલ ઈન્વેસ્ટરોના પોર્ટફોલિયોમાં મોટું ધોવાણ થયું છે. બજાર છેલ્લા એક મહિનામાં ખાસ માર્ચ ના અંતિમ દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં ઘણા શેરોમાં વેલ્યુએશન ખર્ચાળમાંથી આકર્ષક બનતાં ખરીદદાર બનવા લાગતાં મંદીની ઉડાઉડ અટકી છે. પરંતુ હજુ ટ્રમ્પ વિશ્વને અનિશ્ચિતતાના દોરમાં ગરકાવ રાખીને ક્યારે કયું ટેરિફ શસ્ત્ર ઉગામશે એ કહેવું મુશ્કેલ બની રહ્યું હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આગામી દિવસોમાં ટૂંકાગાળા માટે બે-તરફી ઉથલપાથલ સાથે ચંચળતા જોવાય એવી શકયતા છે. રમઝાન ઈદ નિમિતે સોમવારે ૩૧, માર્ચ ૨૦૨૫ના શેર બજારો બંધ રહેનાર છે. બીજી, એપ્રિલના અમેરિકા ક્યા દેશો પર કેટલી રેસિપ્રોકલ ટેરિફ લાદે છે એના પર બજારની નજર વૈશ્વિક બજારોમાં ઉથલપાથલની શકયતા રહેશે. ભારતીય શેર બજારોમાં પણ સોમવારની રજા હોઈ આગામી ચાર ટ્રેડિંગ દિવસના સપ્તાહમાં ફંગોળાતી ચાલ જોવાઈ શકે છે.વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૨૨૨ થી ૨૩૭૭૭ વચ્ચે અને સેન્સેક્સ ૭૬૬૬૬ થી ૭૮૨૨૨ વચ્ચે અથડાતા જોવાય એવી શકયતા રહેશે.
અર્જુનની આંખે : SHILCHAR TECHNOLOGIES LTD.
માત્ર બીએસઈ(૫૩૧૨૦૧) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૬૪ ટકા શાહ પરિવારના પ્રમોટર્સ હોલ્ડિંગની, સંપૂર્ણ ડેટ-ઋણ મુક્ત, કુલ ઈક્વિટીમાં ૫૯ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, મોટી રિઝર્વ ધરાવતી, ISO 9001:2015, IS 2026 & IEC 60076 CERTIFIED, શિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ(SHILCHAR TECHNOLOGIES LTD.) વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦૦ ટકા ક્ષમતા વપરાશે કાર્યરત કંપની ઈલેક્ટ્રોનિક્સ અને ટેલીકોમ તેમ જ પાવર અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર્સની ભારતની અગ્રણી મેન્યુફેકચરર્સ પૈકી એક છે. વર્ષ ૧૯૯૦માં આર-કોર ટ્રાન્સફોર્મર્સના મેન્યુફેકચરીંગ માટે સ્થપાયેલી કંપનીએ વર્ષ ૧૯૯૫માં બજારના સારા પ્રતિસાદ બાદ ફેર્રીટે ટ્રાન્સફોર્મર્સના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે સાહસ ખેડયું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપ કંપનીએ ત્યાર બાદ વર્ષ ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન તબક્કાવાર ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ટ્રાન્સફોર્મર્સનું મેન્યુફેકચરીંગ શરૂ કર્યું હતું. કંપની અત્યારે યુટીલિટીથી રીન્યુએબલ એનજીૅ ક્ષેત્રના ઈન્ડસ્ટ્રીયલ સેગ્મેન્ટોના વ્યાપક ક્ષેત્રને આવરી લઈ વૈશ્વિક રિટેલ ગ્રાહકોને પણ વિશ્વભરમાં પ્રોડક્ટસ, સર્વિસ આપે છે. કંપનીએ એપ્રિલ ૨૦૨૦માં અત્યાધુનિક મેન્યુફેકચરીંગ સવલત શરૂ કરી હતી. જેના થકી કંપની ૫૦ એમવીએ, ૧૩૨ કેવી ક્લાસ સુધીના ટ્રાન્સફોર્મર્સનું મેન્યુફેકચરીંગ કરી શકે છે. કંપની વાર્ષિક ૭૫૦૦ એમવીએ ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન કરી શકે છે. કંપની વર્ષ ૨૦૧૧થી તેની આવકના નિકાસોમાંથી ૪૦ ટકાથી વધુ આવક મેળવી રહી છે. સતત પ્રોડક્ટસ અને સર્વિસિઝ સુધારા થકી કંપની ગ્રાહકોને સંતુષ્ટિ આપીને બજાર માર્કેટ લીડર બની છે.
મેન્યુફેકચરીંગ સવલતો : કંપની ૭,૫૦,૦૦૦ ચોરસ ફૂટ જમીન અને એમાં ૧,૦૦,૦૦૦ ચોરસ ફૂટ ઉત્પાદન વિસ્તાર ધરાવે છે અને વાર્ષિક ૪૦૦૦ એમવીએ ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન કરી શકે છે.
પ્રોડક્ટસ : કંપની પાવર પ્લાન્ટ ડેવલપર, લાર્જ સ્કેલ ઈપીસી કોન્ટ્રેક્ટર, સિમેન્ટ, સુગર, સ્ટીલ અને હાઈડ્રોકાર્બન ઈન્ડસ્ટ્રીઝ, રીન્યુએબલ એનજીૅ-સોલાર, વિન્ડ અને હાઈડેલ, પ્રાઈવેટ યુટીલિટીઝ કંપની, કોર્પોરેટ ગ્રાહકોને આવરી લે છે. ઉત્પાદનોમાં પાવર ટ્રાન્સફોર્મર, ડિસ્ટ્રીબ્યુટશન ટ્રાન્સફોર્મર, રીન્યુએબલ એનજીૅ ટ્રાન્સફોર્મર, વિન્ડ એનજીૅ, સોલાર એનજીૅ, ફર્નેશ ટ્રાન્સફોર્મર, ટેલીકોમ ટ્રાન્સફોર્મર, સ્ટાન્ડર્ડ લાઈન ટ્રાન્સફોર્મર અને લાઈનર ટ્રાન્સફોર્મરનો સમાવેશ છે.
કંપનીના ચેરમેન અજય શાહે નવેમ્બર ૨૦૨૪માં આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપની તેના વિસ્તારીત કામગીરી સાથે નવી ટેલેન્ટને સક્રિયતા સાથે કંપની સાથે જોડી રહી છે. ઉત્પાદનમાં વધારો કરવા સાથે કંપની નવા પ્લાન્ટ ખાતે ઉત્પાદન પ્રક્રિયાને સ્ટ્રીમલાઈન કરી રહી છે. કંપની નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૫૫૦ કરોડ આવક લક્ષ્યાંકન ે હાંસલ કરવા વચનબદ્વ છે અને વધારાની ક્ષમતાનો નાણા વર્ષ ૨૦૨૬માં પૂર્ણપણે ઉપયોગ કરશે. કંપની તેના પ્લાન્ટોમાં વધુ રોકાણ માટેનું આકલન કરી રહી હોઈ યોગ્ય સમયે આ સંબંધિત ડેવલપમેન્ટની રોકાણકારોને જાણ કરવામાં આવશે. કંપનીની વર્તમાન બિઝનેસ પાઈપલાઈન સ્થાનિક અને નિકાસ પૂછપરછો મજબૂત હોવાનું દર્શાવે છે. આગામી નાણા વર્ષમાં કંપની સ્થાનિક અને નિકાસ બજારો વચ્ચે આવકનું સંતુલન જાળવવાનો ઉદ્દેશ ધરાવે છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૨૦૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૩૧૮, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૮૫(એક્સ-બોનસ ૧:૧ શેર), અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૪૪૩, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૬૪૫
બોનસ ઈતિહાસ : વર્ષ ૨૦૨૩માં ૧:૧ શેર બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૫૯.૦૪ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૦માં ૧૦ ટકા, વર્ષ ૨૦૨૧માં ૧૫ ટકા, વર્ષ ૨૦૨૨માં ૪૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૨૫ ટકા
આવક : નાણા વર્ષ ૨૦૨૦માં રૂ.૭૧ કરોડ,નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૧૧૮ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૧૮૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૨૮૦ કરોડ અને નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૩૯૭ કરોડ
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૦ના રૂ.૩.૯૩, માર્ચ ૨૦૨૧ના રૂ.૧૪.૪૮, માર્ચ ૨૦૨૨ના રૂ.૩૬.૮૨, માર્ચ ૨૦૨૩ના રૂ.૧૧૩.૦૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૨૦.૪૮ (૧:૧ શેર બોનસ બાદ)
શેર હોલ્ડિંગ પેટર્ન :
પ્રમોટર્સ શાહ ફેમિલી પાસે ૬૪ ટકા, એફઆઈઆઈ પાસે ૨.૩૦ ટકા, એનઆરઆઈ પાસે ૧૨ ટકા, એચએનઆઈ પાસે ૪.૩૬ ટકા, જ્યારે રિટેલ રોકાણકારો પાસે ૧૭.૩૪ ટકા શેરો છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખી આવક ૪૨ ટકા વધીને રૂ.૪૧૦ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૨.૪૩ ટકા થકી ચોખ્ખો નફો ૧૧૪ ટકા વધીને રૂ.૯૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૨૦.૪૮ હાંસલ કરી છે.
(૨) નવ માસિક એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ : નવમાસિક ચોખ્ખી આવક ૩૪ ટકા વધીને રૂ.૪૦૧ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૨.૬૯ ટકા થકી ચોખ્ખો નફો ૩૬ ટકા વધીને રૂ.૯૧ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૧૧૯.૪૬ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક ૩૭ ટકા વૃદ્વિએ રૂ.૫૬૩ કરોડ મેળવી એનપીએમ ૨૨.૭૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૬૭.૮૨ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક ૨૦ ટકા વૃદ્વિએ રૂ.૬૭૫ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૫૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૦૩ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૦૩ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૪૬ સામે શિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડનો રૂ.૧૦ પેઈડ-અપ શેર માત્ર બીએસઈ પર રૂ.૫૨૭૦.૨૦ ભાવે, ઉદ્યોગના સરેરાશ ૫૩ના પી/ઇ સામે ૨૬ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.