– રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળે કેવિએટ દાખલ કર્યા બાદ
– 11 સભ્યોની કમિટીથી આંદોલનને આક્રમક બનાવાશે 1 લી એપ્રિલે પિટિશન દાખલ કરવાની તૈયારી
આણંદ : આંકલાવ તાલુકાના કહાનવાડી ગામની ૨૩૭ વીઘા જમીન પાણીના ભાવે આપી દેવાના વિવાદમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળે કેવિએટ દાખલ કરી પાણી પહેલા પાળ બાંધી દીધી છે. ત્યારે આવતી કાલ રવિવારે કહાનવાડી ગામમાં મહા ગ્રામસભાનું આયોજન કરાયું છે. ગ્રામજનો ૧૧ સભ્યોની કમિટી બનાવી આંદોલનને આક્રમક બનાવાશે. ત્યારે તા. ૧લી એપ્રિલે પિટિશન દાખલ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ છે.
આંકલાવ તાલુકાના કહાનવાડી ગામની રૂા. ૧૧૪ કરોડની ૨૩૭ વીઘા જમીન માત્ર ૩૮ કરોડમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને આપી દેવાના વિવાદમાં સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા દૂધ અને દહીંમાં પગ રાખતા હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. ગાંધીનગરથી સૂચના મુજબ આ પ્રકરણમાંથી રાજકીય અગ્રણીઓ પોતાના હાથ પાછા ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હવે ગ્રામજનોએ તા. ૩૦મી માર્ચને રવિવારે મહા ગ્રામસભાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ સભામાં સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આંકલાવ તાલુકાના કાંઠા ગાળાના મોટાભાગના ગામના અગ્રણીઓને પણ આણંત્રણ આપી મહાગ્રામસભામાં તેમના સૂચન- માર્ગદર્શન મેળવાશે.
ગ્રાજનો હાઈકોર્ટમાં પિટિશન કરવાના છે તેવી બાતમી અપાઈ હોવાના લીધે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળે કેવિએટ દાખલ કરી દીધી. જેથી ગામમાં જ કોઈ ફૂટેલું વ્યક્તિ ગુરૂકુળ સાથે સંપર્કમાં હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. ત્યારે જમીન બચાવવાની લડતમાં આખું ગામ ભેગું થવાનું છે. ત્યારે ૧૧ સભ્યોની કમિટીની રચના કરાશે. કમિટી દ્વારા આંદોલનની કામગીરી કરવામાં આવશે. રાજકીય પક્ષો સાથે સંકળાયેલા વ્યક્તિઓને કમિટીમાં મહત્વનું પદ આપવામાં નહીં આવે તેવી પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે રાજકીય નેતાઓ સહકાર નહીં આપે તો પણ ગ્રામજનો પોતાની રીતે આંદોલન રાખશે.