૧૨,૫૫૦ રોકડા, ૨૫ હજારના બે મોબાઇલ અને કાર સહિત ૫.૩૭ લાખ કબ્જે કર્યા
ભુજ: હાલ આઇપીએલની મેચ દરમિયાન ઠેકઠેકાણે ઓનલાઇન સટ્ટાનો જુગાર જામ્યો છે. તેવામાં માંડવી પોલીસે મોટા લાયજા રોડ પર કારમાં બેસીને ઓનલાઇન સટ્ટો રમતા યુવકને રોકડ રૂપિયા, મોબાઇલ અને કાર મળીને ૫,૩૧,૩૦૦ના મુદામાલ સાથે તો, મુંદરા પોલીસે બારોઇ રોડ મોલ પાસે બેસીને સટ્ટો રમતા યુવાનને ૧,૨૫૦ રોકડા રૂપિયા અને ૫ હજારના મોબાઇલ સાથે ઝડપી પાડયો હતો.
માંડવી પોલીસે રાત્રીના પોણા બાર વાગ્યે માંડવી શહેર પોસ્ટ ઓફિસ પાસે લાયજા રોડ પર કારમાં બેસીને ઓલપેનલએક્સ નામની વેબ સાઇડ પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેનૈઇ સુપર કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ મેચ પર યુઝર આઇડી કેઆઇસી૮૨ મારફતે હારજીતનો જુગાર રમતાં હેત નરેશભાઇ બિજલાણી નામના યુવાનને પકડી પાડયો હતો. આરોપી પાસેથી રોકડા રૂપિયા ૧૧,૩૦૦ અને ૨૦ હજારનો મોબાઇલ તેમજ ૫ લાખની કાર કબ્જે કરીને જુગારઘારાનો ગુનો નોંધ્યો હતો. તો, બીજીતરફ મુંદરા પોલીસે બારોઇ રોડ પર મહાવીર મોલ પાસે પાળી પર બેસીને મોબાઇલ ફોનમાં ઓનલાઇન બેટેક નામની આઇડી ખાલીને ચેનૈઇ સુપરકિંગ અને રોયલ ચેલેન્જર બેંગલોર ટીમો વચ્ચે ચાલતી આઇપીએલ ટી-૨૦ મેચ પર સટ્ટો રમતા સચિન જાલમસિંહ રાજપુત (ઉ.વ.૩૧) નામના યુવકને પકડી પાડયો હતો. આરોપી પાસેથી ૫ હજારનો મોબાઇલ અને રોકડા ૧,૨૫૫ કબ્જે કરીને જુગારઘારાનો ગુનો નોંધ્યો હતો.