– એસીબી આવી હોવાની જાણ થતાં એએસઆઈ ચાલુ ફરજ પરથી છૂ થયો
– બેંકની નોટિસમાં વોરંટ નિકળ્યું છે અને હપ્તા નહી ભરો તો અટક થશે તેવો ડર બતાવી લાંચ માંગી હતી
મહુવા : મહુવામાં બેંકમાંથી લીધેલી લોનની નોટિસ ફરિયાદીને મળી હતી અને એક કોપી મહુવા પોલીસ મથકને મળી હતી. જેથી મહુવા પોલીસ મથકના એએસઆઈએ ફરિયાદીને અટક કરવાની બીક બતાવી લાંચની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતે રૂ.૨૫ હજાર આપવાનું નક્કી થતા મહુવાના વાસીતળાવ પાસે આવેલ ફનચરની દુકાનમાં લાંચ લેવા જતા એક હોમગાર્ડ સહિત ત્રણ શખ્સને એસીબીએ ઝડપી લીધા હતા. જ્યારે મહુવા પોલીસ મથકના એએસઆઈ પીએસઓની ફરજ છોડી નાસી છૂટયો હતો.
આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો મુજબ ફરીયાદીએ એચડીએફસી બેંકમાંથી મોરગેજ લોન લીધી હતી. તે લોનનાં હપ્તા નહી ભરી શકતા બેંકમાંથી ફરીયાદી તથા તેમના પિતા અને કાકા ત્રણ વિરૂધ્ધ બેંકની નોટીસ આવી હતી. તે નોટીસની એક નકલ પોલીસ સ્ટેશને પણ મોકલાવાવમાં આવી હતી. જે અનુસંધાને મહુવા પોલીસ સ્ટેશનના એએસઆઈ અશોક રામભાઇ ડેરે ફરીયાદીને રૂબરૂ બોલાવી ઉપરોક્ત નોટીસ બતાવી તેઓનું વોરંટ નિકળેલ હોવાનું અને તાત્કાલિક હપ્તા નહીં ભરો તો ત્રણેય જણાને અટક કરવા પડશે તેવી બીક બતાવી પોતાના વચેટીયા આરીફ નિસારભાઇ જમાણી મારફતે વચલો રસ્તો કાઢી આપવા પેટે શરૂઆતમાં રૂ.૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી કરી હતી. પરંતુ રકઝકના અંતે રૂ.૨૫૦૦૦ની લાંચ આપવાનું નક્કી થયું હતું અને મહુવા વાસીતળાવ પોલીસચોકીની બાજુમાં આવેલ આશા ફનચરની દુકાને પૈસા આપી દેવાનું જણાવ્યું હતું. પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા નહી હોવાથી એસીબીમાં ફરીયાદ કરતા આજરોજ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં યોગેશ વલ્લભભાઇ ગાંધી ફનચરની દુકાને લાંચનાં નાણાં આપવા જતાં યોગેશે પોતાના ફોનમાંથી એએસઆઈ અશોક સાથે વાત કરી અને ફરીયાદીને પણ વાત કરાવી હતી અને યોગેશનાં કહેવાથી હોમગાર્ડ ભદ્રસિંહ ભૂપતસીંહ રાઠોડ લાંચ નાણાં સ્વિકારતા રંગેહાથ ઝડપાયો હતો. જ્યારે આરીફ નિસારભાઇ જમાણીને તેમની નોકરીનાં સ્થળ અમાફ ઓઇલ મીલમાંથી પકડવામાં પાડવામાં આવ્યો છે. તેમજ મહુવા પોલીસ મથકના એએસઆઈ અશોક રામભાઇ ડેર મહુવા પોલીસ સ્ટેશનની ચાલુ પીએસઓની ફરજ પરથી નાસી છૂટયો હતો. આ ટ્રેપમાં ફિલ્ડ-૩(ઇન્ટે.) અમદાવાદના એસીબી પીઆઈ એસ.એન.બારોટ, ફિલ્ડ-૩ (ઇન્ટે.) મદદનીશ નિયામક એ.વી.પટેલ જોડાયા હતા.