વડોદરાઃ વડોદરા મગરો માટે જાણીતું થઈ ગયું છે. ચોમાસાની સીઝનમાં રસ્તા પર મગરો દેખા દે તે હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે અને તેનું કારણ છે કે, વડોદરાની વચ્ચેથી પસાર થતી ૨૧ કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની સંખ્યા વધી રહી છે.
ફેબુ્રઆરી મહિનામાં શહેરની વચ્ચે વહેતી વિશ્વામિત્રી નદીમાં ગીર( ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ફાઉન્ડેશન, વન વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી અને આ ગણતરી બાદ લેટેસ્ટ આંકડા પ્રમાણે વડોદરા ૪૪૨ મગરોનું ઘર બની ચૂકયું છે.છેલ્લે ૨૦૨૦માં ગણતરી કરવામાં આવી ત્યારે ૨૭૫ મગર હોવાનું અનુમાન થયું હતું.આમ પાંચ વર્ષમાં મગરોની સંખ્યામાં લગભગ ૬૦ ટકાનો જંગી વધારો થયો છે.
ગીર ફાઉન્ડેશનના પૂર્વ ડાયરેકટર અને મગરોની વસ્તી ગણતરીની કવાયતમાં સામેલ રિતેશ ગહેલોતના કહેવા પ્રમાણે આ વસ્તી ગણતરી વૈજ્ઞાાનિક ઢબે કરવામાં આવી હતી.દિવસે અને રાતે એમ બંને સમયે સર્વે કરવામાં આવ્યો હતો.જેનો અહેવાલ વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરત કરવામાં આવ્યો હતો.પ્રાથમિક તારણો પ્રમાણે મગરોની વસ્તીમાં વધારો જોવા મળ્યો છે.વડોદરાના જેટલા વિસ્તારોમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે ત્યાં બંને કિનારા પર માણસોની વસ્તી વધી છે.આમ છતા મગરોએ અસ્તિત્વ ટકાવવા માટે અનુકુલન સાધી લીધું છે તેવું જાણકારોનું માનવું છે.સાથે સાથે ધ્યાન ખેંચનારી બાબત એ પણ છે કે, આટલી મોટી સંખ્યામાં મગરો હોવા છતા શહેરમાં માણસો પર મગરોએ હુમલો કર્યો હોય તેવા કિસ્સા બહું જૂજ છે.
નોન વેજ ફૂડનો કચરો પણ ખોરાકની ગરજ સારે છે
જાણકારોનું માનવું છે કે, કોર્પોરેશન નદીમાં કે નદીના પટમાં નોન વેજ ફૂડનો કચરો ઠાલવવા પર પ્રતિબંધ મૂકયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં હજી પણ આ કચરો ઠલવાય છે અને તેના કારણે પણ મગરોને ખોરાક મળી રહી છે.
પ્રદૂષણના કારણે માણસોની નદીમાં દખલગીરી નહીંવત
વડોદરા ઝૂના ક્યુરેટર પ્રત્યુષ પાટણકરના કહેવા પ્રમાણે વિશ્વામિત્રી નદીમાં માણસોની દખલગીરી નહીવત છે.કારણકે વિશ્વામિત્રીનું પ્રદૂષિત પ્રાણી લોકો માટે કામનું નથી.આમ છતા નદીમાં માછલીઓ જોવા મળે છે.મગરો માટે આ માછલીઓ તેમજ કિનારા પર આવી ચઢતા કૂતરાઓ અને સુવરો ખોરાકની ગરજ સારે છે.જેના કારણે મગરોની સંખ્યા વધી રહી છે.
નદીના કયા પટ્ટામાં કેટલી વસ્તી
અકોટા બ્રિજથી દેણા ૨૨૦
કલાલીથી તલસટ ૭૭
અકોટા બ્રિજથી મુજમહૂડા ૫૫
વડસર બ્રિજથી કલાલી ૪૮
મુજમહૂડાથી વડસર ૪૨
મગરોની વસ્તીમાં કેટલો વધારો
૨૦૧૧ ૨૦૫
૨૦૧૫ ૨૬૦
૨૦૨૦ ૨૭૫
૨૦૨૫ ૪૪૨