Talala BJP Leader Resigns: તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ રમણ ગંગદેવ (ઉં.વ.૪૦)એ દારૂ ઢીંચી દંગલ કરતા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવથી કેસરીયા કાર્યકરોમાં સાગાટો છવાઈ ગયો છે. હવે આ ભાજપ નેતાનું રાજીનામું લેવાયું છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, તાલાલા શહેરના વિરપુર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં નાના બાળકો રમતા હતા. ત્યાંથી પસાર થતા તાલાલા ભાજપ પ્રમુખે બાળકો પાસે આવી ગાળો બોલતા રહીશ રૂચિતભાઈએ ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા પ્રમુખે બેટથી રૂચિત તથા છોડાવવા આવેલ એક મહિલા સહિત ત્રણ લોકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં રૂચિત તથા તેમના માસી રશ્મિતાબેનને ઈજા થતાં તાલાલા હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા.
આ પણ વાંચો: મૃતક સરકારી કર્મચારીની બંને પત્નીઓ સરખા ભાગે પેન્શન મેળવવા હકદાર, હાઈકોર્ટનો ચુકાદો
આ બનાવ અંગે પોલીસે રૂચિતની ફરિયાદ લઈ ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવ સામે બી.એન.એસ. 115(2) તથા 352,351(3) અને જી.પી.એ 135 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ગયા હતા. આ દરમિયાન ભાજપ પ્રમુખ દારૂ ઢીંચી લથડિયા મારતા હતા. તેની દારૂ પીધેલી હાલતમાં મારામારીના ગુના સબબ ધરપકડ કરી હતી. આ સાથે ભાજપ પ્રમુખ દારૂ પીધેલી હોવાથી પ્રોહીબિશન કલમ 66(1)બી 85-1-3 મુજબ વધુ એક ગુનો દાખલ કર્યો હતો.