વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટી વિદ્યાર્થીઓની હાજરી માટે બાયો મેટ્રિક સિસ્ટમ લાગુ કરનાર યુનિવર્સિટીની પહેલી ફેકલ્ટી બની છે.આગામી દિવસોમાં તેનો અમલ શરુ થશે.જેના કારણે ફેકલ્ટીમાં ફરજિયાત હાજરીનો નિયમ પણ લાગુ પડશે.
ફેકલ્ટીના ડીન પ્રો.અર્ચના ગડેકરે કહ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તમામ લો કોલેજોને બાયો મેટ્રિક સિસ્ટમથી વિદ્યાર્થીઓની હાજરી લેવાનો આદેશ ગત વર્ષે આપ્યો હતો.જેનો આ વર્ષથી અમે અમલ કરવા જઈ રહ્યા છે.આ માટે બાયો મેટ્રિક મશિન લગાવવામાં આવ્યા છે. જેના થકી વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવશે.વિદ્યાર્થીઓએ આવતા અને જતા તેના પર ફિંગર પ્રિન્ટ થકી પોતાની હાજરી નોંધાવવાની રહેશે.
તેમણે કહ્યું હતું કે, તેની સાથે સાથે લો ફેકલ્ટીમાં તમામ વર્ગોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો અને ફૂટેજને એક વર્ષ સુધી સાચવી રાખવાનો પણ આદેશ આપ્યો છે.જેનો અમલ કરવા માટે આગામી દિવસોમાં સીસીટીવી ખરીદવા માટેની કાર્યવાહી શરુ કરાશે.અન્ય કોલેજોની જેમ લો ફેકલ્ટી પણ બાર કાઉન્સિલના આદેશનો અમલ કરી રહી છે.
જોકે એનએસયુઆઈને તો તેની સામે પણ વાંધો પડી ગયો છે.એનએસયુઆઈની દલીલ છે કે, ફેકલ્ટીઓમાં અધ્યાપકો અને કર્મચારીઓની બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પૂરવાની સિસ્ટમ લગાવાઈ છે પણ તેનો કેટલો અમલ થાય છે તે બધા જાણે છે.અમે બાયો મેટ્રિક સિસ્ટમનો અમલ કરાશે તો આંદોલન કરીશું.