– 5 દિવસ પૂર્વે બોટાદ પંથકમાં બનાવ બન્યો હતો
– મૃતકના પત્ની, સાસુ, સસરા અને સાળા બે દિવસના રિમાન્ડ બોટાદ પોલીસે મેળવ્યા
ભાવનગર : બોટાદમાં રહેતો યુવાન તેના સસરાના ઘરે પોતાની દીકરીને રમાડવા માટે ગયો હતો ત્યારે તેના પત્ની અને સાસરિયાઓએ ઝઘડો કરી છરી જેવા તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી દઈ યુવાનની હત્યા કરી નાખી હતી.બોટાદ પોલીસે પત્ની સહિત ચારની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ બોટાદની રાંગણી શેરીમાં રહેતા કિશોરભાઈ વિનુભાઈ જ્યાપરાના લગ્ન ત્રણ વર્ષ પહેલા બોટાદમાં રહેતા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળાની દીકરી ઉર્વશીબેન સાથે થયા હતા. અને તેમને સંતાનમાં દોઢ વર્ષની દીકરી જેન્સી છે.આજથી દોઢ મહિના પહેલા ઉર્વશીબેન તેમની દીકરીને લઈને તેમના પિયર રીસામણે ગયા હોવાથી કિશોરભાઈ તેમની દીકરીને રમાડવા માટે તેમના સસરાના ઘરે ગયા ત્યારે તેમના પત્ની ઉર્વશીબેન,સસરા ધર્મેન્દ્રભાઈ,સાસુ ખુશીબેન અને સાળા હાદકે કિશોરભાઈ પર છરી વડે હુમલો કરી મોત નીપજાવી દીધું હતું.આ બનાવના પગલે બોટાદ પોલીસે સસરા ધર્મેન્દ્ર હર્ષદભાઈ વાળા,સાસુ ખુશીબેન ધર્મેન્દ્રભાઈ વાળા,પત્ની ઉર્વશીબેન અને સાળા હાદક ધર્મેન્દ્રભાઈ વાળાની ધરપકડ કરી ચારેયને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું બોટાદ પોલીસ મથકના પીઆઇ ખરાડીએ જણાવ્યું હતું.