Palanpur-Abu Road National Highway Toll Tax: પાલનપુર-આબુ રોડ નેશનલ હાઇવે પર આવેલા હેબતપુર પાટિયા નજીક આવેલા ખેમાણા ટોલ નાકા પર આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. આશરે 5,000થી વધુ ખેડૂતો અને સ્થાનિક નાગરિકોએ ટોલ ટેક્સના વિરોધમાં મહારેલી યોજી હતી. આ રેલીમાં ‘જય જવાન, જય કિશાન’ અને ‘ગાંધી લડે થે ગોરો સે, હમ લડેગેં ચોરો સે’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા.
મુખ્ય માંગણીઓ
ખેડૂતો અને સ્થાનિકોની મુખ્ય માંગ છે કે તેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અથવા ટોલ બૂથને વર્તમાન સ્થાનથી 10 કિલોમીટર આગળ ખસેડવામાં આવે. ટોલ નાકાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા નાગરિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અથવા સર્વિસ રોડ પૂરો પાડવામાં આવે.
આ પણ વાંચો: અંબાજીના કોટેશ્વર મહાદેવ મંદિરમાં 18 કિલો ચાંદીના થાળુંની ચોરી, ભક્તોમાં રોષ
આ વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો હાઇવે પર બેસી ગયા હતા, જેના કારણે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. ખેડૂતોએ સંબંધિત અધિકારીઓને પોતાની રજૂઆત કરવા માટે ટોલ પ્લાઝા પર ભેગા થવાનું આયોજન કર્યું છે. પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે તંત્ર દ્વારા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે અને આગામી સમયમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.