જામનગરમાં ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી એક બુઝુર્ગ મહિલા રીક્ષામાં અન્ય મુસાફરો સાથે બેઠી હતી, જે દરમિયાન એક મહિલા સહિતના પાંચ શખ્સો એ તેણીને ડરાવી ધમકાવી હાથમાં પહેરેલી 80,000ની કિંમતની સોનાની બંગડી ણી લૂંટ ચલાવી ટોળકી ભાગી છૂટી હતી, જેઓ સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સીટી એ. ડિવિઝન પોલીસે ધાડપાડુ ગેંગના એક મહિલા સહિતના પાંચ સભ્યોને ગિરફ્તાર કરી લીધા છે, અને તેઓ પાસેથી લૂંટમાં ગયેલી સોનાની બંગડી- રિક્ષા સહિતનો માલ સામાન કબજે કરી લીધો છે. જે ટોળકીએ 7થી વધુ ગુનાઓને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રહેતી સવિતાબેન બચુભાઈ ઝાલા નામની 70 વર્ષની બુઝુર્ગ મહિલા ગત 13 તારીખે ખંભાળિયા નાકા પાસે ખરીદી કરવા માટે ગઈ હતી, અને રીક્ષા ની રાહ જોઈને પોતાના ઘેર જવા માટે ઉભી હતી. જે દરમિયાન એક સીએનજી રીક્ષા તેની પાસે ઊભી રહી હતી, અને 20 રૂપિયા ભાડામાં પોતાના ઘર તરફ જવાનું નક્કી કર્યું હતું.
જે રીક્ષામાં અગાઉથી એક મહિલા અને ઉપરાંત ત્રણ પુરુષો આગળ પાછળ બેઠેલા હતા. રીક્ષા ચાલુ કર્યા બાદ તમામેં મળીને મહિલાને મારકુટ કરી ડરાવી ધમકાવી તેણીના હાથમાં પહેરેલી રૂપિયા 80,000ની કિંમતની સોનાની બે બંગડીની લૂંટ ચલાવી રસ્તા વચ્ચે ઉતારીને રિક્ષામાં તમામ આરોપીઓ ભાગી છૂટયા હતા. જે મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો, અને એક મહિલા સહિતના પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને રીક્ષા ના નંબરો મેળવી લીધા બાદ ઊંડાણપૂર્વકની તપાસના અંતે એક મહિલા સહિતના પાંચ શખ્સોને અટકાયતમાં લઈ લીધા હતા.
જેમાં જામનગરમાં નજીક ગોરધનપર વિસ્તારમાં રહેતી વિજયાબેન રૂપેશભાઈ પરમાર, ઉપરાંત રૂપેશ જેરામભાઈ પરમાર, અજય સોલંકી, લાલજીભાઈ સોલંકી, અને આકાશ ચંદુભાઈ પરમાર વગેરેની અટકાયત કરી છે.
તેઓએ અડધો ડઝનથી વધુ બનાવોને અંજામ આપ્યો છે. અને પેસેન્જર તરીકે એકલા વ્યક્તિને બેસાડી તેના રોકડ તથા દાગીના સહિતના માલ સામાનની લૂંટ ચલાવી પેસેન્જરને રસ્તામાં ઉતારીને ભાગી છુટતા હતા. જે ટોળકી આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે.