વડોદરા,સગાઇ કરીને શારીરિક સંબંધ બાંધ્યા પછી યુવતીને તરછોડી દઇ લગ્નની ના પાડી દેનાર યુવક સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાલોલમાં રહેતી યુવતી દુકાનમાં નોકરી કરે છે. તેણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તા.૧૭ – ૧૧ – ૨૦૨૪ ના રોજ મારી સગાઇ સમાજના યુવક સાથે થઇ હતી. સગાઇ પછી યુવક મને તેના ઘરે વડોદરા મળવા બોલાવતો હતો. ડિસેમ્બર – ૨૦૨૪ માં હંુ તેના ઘરે ગઇ હતી. બીજા દિવસે યુવકના ભાઇ, ભાભી અને ભત્રીજો ડભોઇમાં બાબરીના પ્રસંગે ગયા હતા. ઘરે હું અને યુવક એકલા હતા. તેણે મારી સાથે શરીર સંબંધ બાંધવાની કોશિશ કરતા મેં તેને રોક્યો હતો. આપણે લગ્ન કરવાના જ છે. તેવું કહીને મને વાતોમાં ભોળવી તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તેણે ે મારી સાથે ઘણીવખત સંબંધ બાંધ્યો હતો. અમારા લગ્ન નવેમ્બર – ૨૦૨૫ માં નક્કી થયા હતા. મે – ૨૦૨૫ સુધી અમારા સંબંધ સારા હતા. ત્યારબાદ યુવકે મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો કે, તને નિર્ણય લેતા આવડતું નથી. ત્રણ મહિનાથી તેણે મારી સાથે વાતો કરવાનું ઓછું કરી દીધું હતું. યુવકના પપ્પાએ મને એવું કહ્યું કે, મારા દીકરાને તું ગમતી નથી. તારી સાથે લગ્ન કરવાની તે ના પાડે છે. તું તારી લાઇફ બગાડીશ નહીં.યુવકે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દેતા હું અને મારા પરિવારના સભ્યો તેને મળવા ગયા હતા. તેણે ઝઘડો કરી મારા ભાઇને લાફો મારીને સગાઇ તોડી નાંખી હતી.