Gujarat Assembly Workers Exploitation: વિધાનસભા ગૃહમાં ફિક્સ પગાર, આઉટસોસીંગ ઉપરાંત કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના મુદ્દે વિપક્ષે પસ્તાળ પાડી હતી. એવો આક્ષેપ કરાયો હતો કે, મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા ઉપરાંત એમએલએ ક્વાર્ટસમાં કામ કરતાં કર્મચારીઓને લઘુતમ વેતન પણ ચૂકવવામાં આવતુ નથી. ઓછો પગાર ચૂકવી કર્મચારીઓનું રીતસર શોષણ કરવામાં આવી રહ્યું છે. શ્રમિકોના નામે મગરના આંસુ સારતી સરકાર જ કામદારોનું શોષણ કરી રહી છે.
શ્રમ રોજગાર મુદ્દે ચર્ચામાં ભાગ લેતાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગૃહમાં જણાવ્યું કે, 23 વર્ષ બાદ ખેત મજૂરનું લઘુત્તમ વેતન રૂ. 476 આપવાનું રાજય સરકારે ઠરાવ્યું છે છતાંય રૂ. 375 જ વેતન અપાય છે.
એક શેરડી કામદાર સરેરાશ પાંચથી છ મહિના કામ કરે છે. તેને રોજ રૂ.101નું ઓછું વેતન મળે છે. ટ્રેડ યુનિયનોના સ્ટડીઝ પ્રમાણે, ગુજરાતમાં શેરડી કામદારોનો આંકડ દોઢેક લાખ છે. જે 2 લાખ શેરડી કામદારો ગણીએ અને જો પાંચેક મહિના મજૂરી કરતા હોય, રૂ. 375 લેખે વેતન ચૂકવાતુ હોય તો એનો અર્થ એ થયો કે, શેરડી કામદારોને તેમના હક્ક અને અધિકારના રૂ. 550 કરોડ ચૂકવાયા નથી.
સુગર માફિયાઓ સરકારના પરિપત્રને ઘોળીને પી ગયા છે. ગરીબ કામદારોને ઓછુ વેતન ચૂકવે છે. આશા વર્કર, આંગણવાડી બહેનો, સફાઈ કામદાર, મલ્ટીપર્પસ હેલ્થ વર્કર, હોમગાર્ડ,આ બધાય કર્મચારીઓને સરકાર યોગ્ય પગાર આપી શકે તેમ છે. ઘણાં કર્મચારીઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પિટીશન ફાઈલો કરી છે લઘુત્તમ વેતન, ગ્રેચ્યુટી- પી.એફ.નો લાભ મળે, કાયમી કરવામાં આવે તેવી માંગણી કરી છે. રાજ્ય સરકારે આ દિશામાં હકારાત્મક ઉકેલ લાવવો જોઈએ.
મેવાણીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, કેટલાંક કામદારો સિલિકોસીસ રોગના દર્દીઓ છે. વર્ષ 2017માં માનવ અધિકાર પંચે ગાઈડ લાઈન બહાર પાડી હતી. એટલુ જ નહીં, ચોક્કસ નીતી બનાવવા આદેશ કર્યો હતો. ભાજપ શાસિત રાજસ્થાન, હરિયાણા ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોએ ખાસ નીતિ ઘડી છે. પણ ગુજરાત સરકારે આ મામલે રસ દાખવ્યો નથી. શ્રમિકોની વાતો કરવામાં આવી રહી છે ત્યારે સરકારે કામદારોને લઘુતમ વેતન ચૂકવવુ જોઈએ.