ચિલોડા હિંમતનગર અને ગાંધીનગર દહેગામ
ચિલોડા અને ડભોડા પોલીસ દ્વારા હાઇવે ઉપર ટ્રક ઊભી નહીં રાખવા અને ડાબી બાજુ ચલાવવાના સાઈન બોર્ડ લગાવાયા
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ઉભેલી
ટ્રકોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે પોલીસ દ્વારા અહીં
અકસ્માતો અટકાવવા માટે ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે અને જે અંતર્ગત હાઇવે માર્ગ
ઉપર અલગ અલગ સ્થળોએ ટ્રક ઊભી નહીં રાખવા અને ડાબી બાજુ ચલાવવાના સાઈન બોર્ડ
લગાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતા હાઇવે માર્ગો ઉપર અવારનવાર
અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે તેમાં પણ ખાસ કરીને આ માર્ગો ઉપર કેટલાક ટ્રક ચાલકો
દ્વારા હાઇવે ઉપર જ ટ્રક ઉભી રાખીને ઢાબા ઉપર જમવા જતા હોય છે અને અથવા તો આ હાઈવે
ઉપર જ આખી રાત ટ્રક ઉભી રાખીને આરામ કરતા હોય છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ વધતી
હોય છે અને તેમાં મૃત્યુ આંક પણ સામે આવતો હોય છે. ગાંધીનગર શહેર નજીક આવેલા
હિંમતનગર ચિલોડા હાઇવે ઉપર અને ચિલોડા દહેગામ હાઇવે ઉપર આ પ્રકારની ઘટનાઓ વધારે
પ્રકાશમાં આવી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડાની સૂચનાને પગલે ચિલોડા પોલીસ
ઇન્સ્પેક્ટર આર.આર પરમાર અને ડભોડા પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી ખાંભલા અને તેમની ટીમો
દ્વારા આ બંને હાઇવે માર્ગો ઉપર જ્યાં વધારે પ્રમાણમાં ટ્રકો રાત્રિના સમયે ઉભી
રહેતી હોય છે ત્યાં સાઈનબોર્ડ લગાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અહીં
ટ્રક ઉભી રાખવાની મનાઈ છે અને ટ્રક ડાબી બાજુ ચલાવવા સહિતના બોર્ડ લગાડવામાં આવ્યા
છે. આગામી દિવસમાં પણ અલગ અલગ વિસ્તારોમાં આ બોર્ડ લગાડવાની કામગીરી કરવામાં આવશે
અને ત્યારબાદ પણ નિયમોનો ભંગ કરનાર ટ્રક ચાલકો સામે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી
લેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.